ભરૂચ
હાંસોટ તાલુકામાં આવેલાં સાહોલ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં અહેમદઅલી કરીમઅલી સૈયદે તેના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગારનીમહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળી હતી. જેના પગલેે એલસીબીની ટીમે તેના ઘરે પહોંચી ઘરને ચારેય તરફથી કોર્ડન કર્યાં બાદ દરવાજો ખખડાવી અંદર જતાં કેટલાંક લોકો જુગાર રમતાં ઝડપાઇ ગયાં હતાં. ટીમે તેમના નામઠામ પુછતાં અહેમદઅલી સૈયદે પોતાની ઓળખ આપવા સાથે જણાવ્યું હતું કે, આ ઘર તેના માતાના નામે છે. અન્ય લોકોની પુછપરછ કરતાં તેમના નામ હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા(રહે. ઓલપાડ, સુરત), મુઝમીલ ઉર્ફે મુન્નો બશીર શેખ (રહે. હાંસોટ ટાઉન), ઇસ્માઇલ ઉસ્માન શેખ (રહે. કોસંબા) તેમજ કમરૂદ્દીન શેખ (રહે. સાહોલ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે સ્થળ પરનો સામાન જપ્ત કરતાં મળી આવેલાં 6 મોબાઇલ પૈકીના એક મોબાઇલ અંગે પુછતાં તે જગદીશ ઉર્ફે મિથુન પટેલ(રહે. સાહોલ) નામના શખ્સનો હોવાનું અને પોલીસની રેડ પડી તેના થોડા સમય પહેલાં જ તે બહાર ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી 42 હજાર રોકડા તેમજ 6 મોબાઇલ મળી કુલ 1.02 લાખનો મુ્દ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
