ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામામાં સુધારો કરાયો
જિલ્લાના ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પરના વન- વેના જાહેરનામામાં આખરે વહિવટી તંત્ર દ્વારા સુધારો ક૨વામાં આવ્યો છે. ઝાડેશ્વર ચોકડીથી ટ્રાવેલર્સ પાર્કિંગ સુધીના ૫૦ મીટર સુધીના રસ્તા પર કંપનીઓની બસોને અવર-જવ૨ માટે મુક્તિ આપવામાં આવી છે.
ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને ફોરલેન કરવા બનાવવાની કામગીરીને લઈને આ રોડને બે મહિના માટે વન-વે જાહેર કરવામાં આવ્યો હતો.વનવેના કારણે કંપનીઓના કર્મચારીઓને લાવતી-લઈ જતી બસોને ૩૦ કિમીનો ઘેરાવો ફ૨વો પડે તેવી સ્થિતી સર્જાઈ હતી. ત્યારે ટ્રાવેલર્સના માથે પણ ડીઝલના ભારણનો બોજ વધે તેવી શક્યતાઓ હોવાને કારણે ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરને મળીને તેમના માટે કોઈ રસ્તો ક૨વામાં આવે તેવી માગ કરી હતી. જેના પગલે સમગ્ર મામલાની તપાસ કરી પ્રાથમિક બાબતોને ધ્યાનમાં લઈને જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના વનવેના જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં ઝાડેશ્વર ચોકડીથી ટ્રાવેલ્સ એજન્સીના પાર્કિંગ સુધીના ૫૦ મીટર સુધીના રસ્તા પર લક્ઝરી બસોની અવર-જવર માટે મુક્તિ આપવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા જાહેરનામામાં કરાયેલાં સુધારાને લઈને ટ્રાવેલર્સમાં ખુશી ફેલાઈ છે.
