સરપંચ માટે કુલ ૨૨૬ ફોર્મ ભરાયાં, સભ્યપદ માટે કુલ ૧૧૮૮ લોકોએ ઉમેદવારી નોંધાવી
ફોર્મ પાછા ખેંચવાની આજે અંતિમ તારીખ, રાજકિય દાવપેચ રમાશે
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૨૨મી જૂને યોજવામાં આવશે. ત્યારે ઉમેદવારોએ તેમના ફોર્મ સંબંધિત કચેરીએ જમા કરાવી દીધાં છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જોકે, અત્યાર સુધીમાં સરપંચ પદ માટે કુલ ૨૨૬ જયારે સભ્યપદ માટે ૧૧૮૮ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. બુધવારે ફોર્મ ખેંચ્યા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
સામાન્યત: ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષ આધારિત હોતી નથી. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી ગ્રામ પંચાયતમાં પણ ઉમેદવારી પક્ષ આધારિત થઈ રહી છે. રાજ્ય ચૂંટણી શાખા દ્વારા આગામી ૨૨મી જૂનના રોજ ગામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે ૯મી જૂન સુધીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની કવાયત ચાલી હતી. ભરૂચ જિલ્લામાં ૬૮ ગામમાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે. જેમાં વિભાજન થયેલી ગ્રામ પંચાયત, મધ્યસત્ર ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. જેમાં કુલ ૧૯૨ લોકોએ સરપંચ માટે અને ૧૦૫૫ લોકોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા છે. જયારે ૧૪૫ ગ્રામ પંચાયતોમાં પેટા-ચૂંટણી યોજાશે. જેમાં કોઈ કારણસર સરપંચ કે સભ્યની જગ્યા ખાલી પડી હોય તેની ચૂંટણી યોજવામાં આવશે. જેમાં સરપંચ માટે ૩૪ અને સભ્યપદ માટે ૧૩૩ ફોર્મ ભરાયાં છે. બુધવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારે ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચ્યા બાદ ચૂંટણીની રેસમાં રહેલાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
