રાજ્ય સરકાર તાત્કાલિક ધ્યાન આપે: સંદીપ માંગરોળા, મહામંત્રી GPCC
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર, આમોદ અને વાગરા તાલુકાઓના તેમજ આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીના હજારો ખેડૂતો હાલ DAP ખાતરની અછતને લઈને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખેતી માટે અત્યંત જરૂરી એવા DAP ખાતર વિના ખેડૂતોએ વાવણીના મૌસમમાં મોટા નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોળાએ આ મુદ્દે આજે ગુજરાત સરકારના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે, “હાલ વિધાનસભાની ચૂંટણીના પ્રભાવ હેઠળ વિસાવદર અને વિસનગર જેવા વિસ્તારોમાં DAP ખાતર પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જે સ્વાગત્ય છે. પરંતુ રાજ્યના અન્ય વિસ્તારો—ખાસ કરીને આદિવાસી વિસ્તારો—માં પણ સમાન સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. રાજ્ય સરકારે ખેતીને રાજકીય લાભ માટે નહિ, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસ માટે જોવી જોઈએ.”
આ રજૂઆતની નકલ મુખ્યમંત્રીશ્રીઓને પણ મોકલવામાં આવી છે અને ખેડૂતોના હિત માટે તાત્કાલિક અને વ્યાપક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
