ઈન્ટરનેટનો કેબલ નાંખવાના બહાને ઘરમા ઘુસી રોકડા-દાગીનાની લૂંટ ચલાવી હતી
દહેજના જોલવા ગામે ટાઈગર પ્લાઝા ખાતે બનેલી ઘટના
ભરૂચ.
દહેજના જોલવા પાસેના ટાઈગર પ્લાઝામાં એક મહિલા ઘરમાં એકલી હતી ત્યારે ઈન્ટરનેટર કેબલ નાંખવાના બહાને ઘરમાં ઘુસેલાં બે શખ્સોએ ૨૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાં હતાં. જોકે, પોલીસે ઘટનાને પગલે આસપાસના વિસ્તારના ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી આખરે બન્ને આરોપીઓને ઝડપી પાડયાં હતાં.
દહેજ પાસે આવેલા જોલવા ગામે ટાઈગર પ્લાઝામાં ફાતિમાબીની અઝરુદ્દીન સૈયદ, તેમના પતિ અને ૭ મહિનાના પુત્ર સાથે રહે છે. તેમના પતિ વડદલાની એક કંપનીમાં નોકરી કરતા હોઈ ગત તા.૧૭ મી જુને તેઓ નોકરીએ ગયા હતા તે વેળા ફાતિમાં તેમના ૭ મહિનાના બાળક સાથે ઘરમાં એકલા હતા. દરમ્યાનમાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈએ તેમના ઘરનો દરવાજો ખખડાવતા તેમને દરવાજાના લેન્સમાંથી જોતા બે અજાણ્યા શખ્સો જણાયા હતા.
દરમ્યાનમાં તેમણે પુન: દરવાજો ખખડાવતા તેમણે દરવાજો ખોલ્યો હતો તેમણે તેઓને તમે કોણ છો કેમ આવ્યા છો પુછતા બંને યુવાનોએ ગુજરાતી ભાષામાં તેઓ ઈન્ટરનેટ કેબલ નાંખવા માટે આવ્યા હોવાનું જણાવ્યુ હતું. જેથી તેમણે તેમને કેબલ નાંખવા દેતા બંન્ને જણાએ રૂમમાં પ્રવેશી કેબલ નાંખવાની પ્રોસેસ કરી રહ્યા હતા તે વેળા એક શખ્સે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો .જેના પગલે ફાતિમા ગભરાઈ ગઈ હતી તે કાંઈ બોલે તે પહેલા એક શખ્સ તેનુ મોઢુ દબાવી દીધું હતુ. તેમજ હિન્દીમાં તુમ્હારે પાસ જો કુછ ભી હૈ વો નિકાલ કર દે વરના તુજે જાનસે માર દુંગા તેમ કહેતા ફાતિમા ગભરાઈ ગઈ હતી. તેણે તમારે જે જોઈએ તે લઈ જાઓ પણ મને અને મારા સંતાનને કાંઈ ન કરતા તેમ કહેતા તેમણે ઘરમાં તીજોરી સહિત તમામ સ્થળે તપાસ કરતા તિજોરીમાં એક પ્લાસ્ટીકના ડબ્બામાં મુકેલા ૨૦ હજાર રૂપિયા રોકડા તેમને મળ્યા હતા. દરમ્યાનમાં તેમણે ફાતેમાએ કાનમાં પહેરેલી બુદ્ધી પણ ઉતારી લઈ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
બનાવ સંદર્ભે તેમણે દહેજ પોલીસ મથકે કરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓના સગડ મેળવવા માટે તમામ પાસાઓની તપાસ શરૂ કરી હતી. પીઆઈ એચ. બી. ઝાલાએ તેમની ટીમ મારફતે આસપાસના ૧૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. દરમિયાનમાં આરોપીઓ એક બાઈક પર દહેજથી આમોદ જવાના રોડ પર હોવાનું માલુમ પડતાં ટીમે તેમને પણિયાદરા ચોકડી પાસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
