ભરૂચ.
ગત ૧૨ મી જુન ૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસરોદ ગામના આદમભાઈ તાજુ તેમજ હસીનાબેન તાજુનું મૃત્યુ થયુ હતુ. આદમભાઈ તાજુ અને તેઓના પત્ની હસીનાબેન તાજુ વરસોથી યુ.કે.ખાતે સ્થાયી થયા હતા. પોતાના વતન ઈદ મનાવવા આવેલા આદમભાઈ તાજુ તથા તેઓના પત્ની હસીનાબેન તાજુ જયારે યુ.કે.પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ, પત્નિનું અવસાન થયુ હતુ. હસીનાબેન તાજુનો પાર્થિવ દેહ તેઓના વતન સાંસરોદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. મર્હુમા હસીનાબેન તાજુના પાર્થિવ દેહને જયારે સાંસરોદ લાવવામાં આવ્યો ત્યારે તેઓના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
રાત્રે ઈશાની નમાઝ બાદ મર્હુમા હસીનાબેન તાજુના જનાઝાને દફન વિધી માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો હતો. મર્હુમા હસીનાબેનના જનાજામાં ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. મર્હુમાં હસીનાબેન તાજુની દફનવિધીમાં વાગરા તાલુકા સમિતિના અધ્યક્ષ આસીક પટેલે પણ હાજરી આપી હતી. યુ.કે.તેમજ દુબઈથી દફનવિધીમાં હાજરી આપવા આવેલા અલ્તાફ તાજુ તેમજ રિયાઝ મુસાને મર્હુમ આદમભાઈ તાજુ તેમજ મહુમાં હસીનાબેન તાજુની ડેડ બોડી સોંપવા માટે અમદાવાદ જિલ્લા સમાહર્તાં તેમજ એર ઈન્ડિયા સ્ટાફ દ્વારા જે કામગીરી કરવામાં આવી તેને બિરદાવી જિલ્લા સમાહર્તા તેમજ એર ઈન્ડિયા સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
