અંકલેશ્વરનો યુવાન ઝાડેશ્વરની જે. બી. મોદી વિદ્યાલયમાં પરીક્ષા આપવા આવ્યો હતો
। ભરૂચ ।
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી જે. બી. મોદી વિદ્યાલય ખાતે સોમવારે બેઝીકગણિતની પુરક પરીક્ષા ટાણે એક વિદ્યાર્થી મોબાઈલ લઈને પરીક્ષામાં બેઠો હોવાનું સંચાલકોના ધ્યાનમાં આવ્યું હતુ. મામલામાં પરીક્ષાની પ્રક્રિયા બાદ શાળાના પ્રિન્સિપાલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત બોર્ડ દ્વારા હાલમાં એસ.એસ.સી.ની પુરક પરીક્ષા લેવાઈ રહી છે. ૨૩મી જૂનથી ૧ જૂલાઈ સુધી પુરક પરીક્ષા યોજાઈ હતી. દરમિયાનમાં ગઈકાલે ધો. ૧૦ની બેઝીકગણિતનું પેપર હતું. ભરૂચ શહેરના જાડેશ્વર ખાતે આવેલી જે.બી. મોદી વિદ્યાલય ખાતે પણ પરીક્ષાનું આયોજન થયું હતું. સવારે ૧૦ કલાકથી બપોરના ૧૩:૧૫ વાગ્યા સુધી પરીક્ષા ચાલનાર હતી. દરમિયાનમાં શાળામાં બ્લોક નંબર ૩૩ના ખંડ નિરીક્ષકે શાળાના પ્રિન્સિપાલ ફાલ્ગુની પ્રકાશ નાયકને જાણ કરી હતી કે, તેમના કલાસમાં પરીક્ષા આપી રહેલો એક વિદ્યાર્થી મોબાઈલ લઈને બેઠો છે. જેથી તેમણે સરકારી પ્રતિનિધી ઉજવલાબેન પટેલે તેની પાસે જઈ તેના હોલ ટિકિટના આધારે તેનું નામ-નંબર જાણી તેની પાસેનો મોબાઈલ લઈ લીધો હતો. જોકે તેની પાસેથી ઉત્તરવહી લીધી ન હતી. પરીક્ષા પુર્ણ થયાં બાદ સિલીંગની કામગીરી પૂર્ણ કરી તે વિદ્યાર્થીનું રોજકામ કરી લીધું હતું.. પુછપરછમાં તે અંકલેશ્વરનો રહેવાસી હોવાનું માલુમ પડયું હતું. તેણે મોબાઈલના પાસવર્ડ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો 4 દરમિયાનમાં તેના વાલીને ઘટનાની જાણ કરી બોલાવ્યા બાદ તેમને તમામ હકિકતથી વાકેફ કરી વિદ્યાર્થીને તેમના પરિવારને સોંપ્યો હતો. જે બાદ તેમણે સંલગ્ન અધિકારીઓને જાણ કરતાં તેમણે પોલીસને જાણ કરવા કહેતાં તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
