Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મનરેગા કૌભાંડ : એક નિવૃત્ત સહિત બે ટીડીઓ, બે ટેક્નિકલ આસિસ્ટન્ટ પોલીસ સકંજામાં

Share

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર રાખ્યા
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં આવેલાં હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામો કરનારી વેરાવળની બે એન્જન્સીઓ જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝે સંલગ્ન અધિકારીઓ તેમજ કર્મચારીઓના મેળાપીપણામાં કુલ ૭.૩૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસ દરમિયાન કૌભાંડનો છેડો જૂનાગઢ સુધી લંબાયો હતો. જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવાએ તેના પરીચિતોના નામે જ એજન્સી બનાવી તેના સત્તાપક્ષના રાજકિય મિત્રોના જોરે ભરૂચ જિલ્લામાં મનરેગાના કામોના ટેન્ડરો મેળવ્યાં હોવાની વાત ચર્ચાની એરણે છે. ત્યારે પોલીસે મામલાં હિરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરી હતી. ઉપરાંત બન્ને એજન્સી જલારામ એન્ટરપ્રાઈઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પિયુશ નુકાની તેમજ જોધા સભાડ સહિત 6 જણાની ધરપકડ કરી હતી. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને સબજેલમાં ધકેલી દેવાયા હતાં. જોકે, હિરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. કોર્ટે તેના પર સુનાવણી કરી તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
પોલીસ દ્વારા મામલામાં તપાસ જારી રાખવામાં આવી હોવાથી મામલામાં સંડોવાયેલાં અન્ય આરોપીઓની ધરપકડની કવાયત હાથ પરી હતી. જેના પગલે ટીમે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી મહેશ ઈશ્વર પરમાર (રહે. સિખોદરા, તા.જી. આણંદ)ની ધરપડક કરી હતી. તેઓએ વર્ષ ૨૦૨૩માં ૧ નવેમ્બરથી આમોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે તેમજ ૩ માર્ચ ૨૦૨૪થી ૩૦ જૂન ૨૦૨૪ સુધી હાંસોટ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમની ધરપકડ કરી છે. ઉપરાંત મહંમદ સહલ ઈસ્માઈલ પટેલ (રહે. હુબેબપાર્ક, જંબુસર કંથારિયા રોડ) કે જે ૨૮મી એપ્રિલ ૨૦૨૨થી ૨૨ મે ૨૦૨૩ સુધી હાંસોટ તાલુકા વિકાસ અધિકારી અને બાદમાં ૨૨મી મેથી અત્યાર સુધી નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતાં હતાં તેમની પણ ધરપકડ કરાઈ છે. સાથે સાથે વર્ષ ૨૦૧૧થી ૨૦૧૭ સુધી જંબુસર ત્યાર બાદ ૨૦૧૭થી આમોદમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં હરેન્દ્રસિંહ બળવંતસિહ પરમાર (રહે. છીદ્રા, તા. જંબુસર) તેમજ વર્ષ ૨૦૨૧થી જંબુસરમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ મનરેગામાં નોકરી કરતાં સોયેબ મહમદ યુસુફ દૌલા (રહે. સનરાઈઝ સોસાયટી, જંબુસર) ને ઝડપી પાડયાં હતાં આરોપીના ફરજકાળ દરમિયાન તેઓનું મનરેગા કૌભાંડમાં કેવો રોલ હતો. તેમજ મનરેગા કૌભાંડને તેઓ કેવી રીતે ઓપરેટ કરતાં હતાં અન્ય કોણ કોણ તેમની સાથે સંડોવાયેલું છે તે સહિતની વિગતો એકત્ર કરવા તેમના રિમાન્ડ મેળવવા તેમને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રીમાન્ડ માંગ્યા હતાં. જોકે, કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે.
ટીડીઓ મહમદ સહલ પટેલે ચાર્જમાં હતાં ત્યારે ૪.૪૧ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરી

ઝડપાયેલાં આરોપીઓ પૈકીના ટીડીઓ મહમદ સહલ પટેલે તેઓ હાંસોટમાં ચાર્જમાં હતાં. તે વેળાં તેમણે મનરેગાની ૪.૪૧ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરી હતી. મુરલીધર તેમજ જલારામ એજન્સીના મળતિયાઓ સુભાષ અને સરમન સોલંકી સાથે તેમને ખાસ ધરાબો હતો. એક તબક્કે એવુ મનાઈ રહ્યું છે કે જે તાલુકામાં મનરેગાની ગ્રાન્ટ રિલીઝ થવાની હોય ત્યારે તેઓ ત્યા ચાર્જમાં જતા રહેતાં હતાં. જોકે, તે માટે કોની રહેમનજર હતી તે હવે તપાસનો વિષય બન્યો છે.
ટીડીઓ મહેશ પરમારે બીલોના કલર ઝેરોક્ષ મુકી પાસ કરાવ્યાં

પોલીસની પ્રાથમિક તપાસમાં તત્કાલિન ટીડીઓ મહેશ પરમાર તેઓ જ્યારે આમોદમાં પોસ્ટીંગમાં હતાં ત્યારે હાંસોટ બનેલી મનરેગાની ફાઈલોમાં તેમણે સહિંઓ કરી હતી. ઉપરાંત તેમણે પૂરસા સહિતના ગામોમાં થયેલાં કામોને લઈને એક જ ગ્રામ પંચાયતમાંથી આવેલાં બીલની કલર ઝેરોક્ષ બનાવી અન્ય ગ્રામ પંચાયતના નામે બીલ મંજૂર કરી રૂપિયા રીલીઝ કરાવ્યાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ટેક્નિકલ આસિ. દૌલાના ખાતામાં ૫.૭૨ લાખ, હરેન્દ્રસિંહના ખાતામાં ૪૫ હજાર આવ્યા

મનરેગા કૌભાંડમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓએ પણ કૌભાંડમાં મહત્વની ભુમિકા ભજવી છે. જંબુસરનો ટેકિન. આસિ. સોયેબ દૌલા મનરેગાના કામોનું એસ્ટીમેન્ટ બનાવી હિરા જોટવાના પુત્ર દિગ્વીજયને મોકલતો તેની મંજુરી બાદ તે પ્રમાણે કામ કરાવતો હતો. તેના ખાતામાં એજન્સીમાંથી ૫.૭૨ લાખ ચુકવાયાં હતાં. જ્યારે આમોદના ટેક્નિ. આસિ. હરેન્દ્રસિંહ પરમારના ખાતામાં પણ ૪૫ હજારની એન્ટ્રી થઈ હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.


Share

Related posts

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

નડિયાદ : “૩૦ મી રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ” માં જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!