દહેજના આમોદ રોડ પર પાદરિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી
ભરૂચ.
દહેજના આમોદ રોડ પર આવેલાં પાદરિયા ગામ પાસેથી એક ઇકો કારમાં દેશીદારૂની હેરાફેરી થનાર છે તેવી ચોક્કસ બાતમી દહેજ પોલીસને મળી હતી. જેના પગલે આમોદ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની ઇકો કાર આવતાં પોલીસે કારને અટકાવી ચાલકની પુછપરછ કરતાં તેનું નામ મુકેશ વિઠ્ઠલ રાણા (રહે. અણખી, તા.વગરા) હોવાનું માલુમ પડ્યું હતું. કારમાં તલાશી લેતાં તેમાં વિદેશીદારૂનો 24 હજારથી વધુની મત્તાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશીદારૂ તેમજ ઇકો કાર મળી કુલ 2.24 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કાર ચાલક મુકેશ રાણાની ધરપકડ કરી તે દેશીદારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો, કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે કવાયત પોલીસે હાથ ધરી છે.
