ભરૂચ એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચના રહાડપોર ગામે મુસ્કાન પાર્કમાં નજીવા મુદ્દે તકરારમાં મામલો ગરમાતાં વૃદ્ધને ચપ્પુ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બન્ને પક્ષે મારક હથિયારો વડે મારામારી થઇ હતી. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે બન્ને પક્ષની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રહાડપોરના મુસ્કાન પાર્ક ખાતે રહેતાં 72 વર્ષના મકસુદ અહેમદ ઇબ્રાહિમ શેખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની પાછળ રહેતાં સમીરાબાનું આરીફઅલી સૈયદની માતા માનસિક અસ્થિર છે. તેઓ બન્નેના ઘરની ડ્રેનેજ લાઇન એક જ હોઇ સમીરાની માતા તેમના ઘરના નળ ચાલુ રાખતાં હોવાથી ડ્રેનેજ લાઇન ઉભરાઇ જતી હતી. જે અંગે ભુતકાળમાં અનેકવાર તેમની વચ્ચે તકરાર થઇ હતી. દરમિયાનમાં ગઇકાલે રાત્રી પણ પુન: તે જ બાબતે તકરાર થતાં સમીરાએ તેના પરીચિત સુહેલ ઇસ્માઇલ ડોલાને ફોન કરીને બોલાવતાં સુહેલ તેમજ અન્ય બે શખ્સો ત્યાં આવ્યાં હતાં. તેઓએ તેમની સાથે તકરાર કરતાં મામલો ગરમાતાં સુહેલે ચપ્પુથી મકસુદ અહેમદ ઇબ્રાહિમ શેખને પેટમાં ઘા કરી દેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય લોકોએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલીક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં.
ઘટનામાં સુહેલ ઇસ્માઇલ ઇશા ડેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે રહાડપોર અજીમનગર પાસેના ન્યુ સીમા એપાર્ટમેન્ટમાં રહે છે. તે અને તેના મિત્રી સુહેલ પટેલ સહિતના ગામની અલીફ મસ્જીદ પાસે બેઠાં હતાં. તે વેળાં તેની માનેલી બહેન સમીરાબાનુનો તેના પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેના ઘરની બાજુમાં રહેતાં સોયેબ મકસુદ ેશેખ, તેના પિતા મકસુદ શેખ તેમજ નાનો ભાઇ તેમનાઘરે આવી સમીરા અને સુહેલ વચ્ચે અફેર હોવાની ખોટીખોટી વાતો કરી ઝઘડો કરે છે. તેને સમજાવ. જેથી તે તેના મિત્રો સાથે તુરંત સ્થળ પર પહોંચડ્યાં હતાં. તેમણે મકસુદ અને તેના બન્ને પુત્રોને જણાવ્યું હતું કે, તેને અને સમીરાને કોઇ પ્રેમસંબંધ નથી, તે તેની માનેલી બહેન છે. તેમ ખોટી વાતો ન ફેલાવો. જેથી ત્રણેય જણાએ તેમના પર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં ખસેડાયાં હતાં.
