અદ્યતન સુવિધાઓ સાથેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નવા રોડ, આરોગ્ય કેન્દ્રો અને નવી શાળા અને વર્ગખંડો સહિતના પ્રકલ્પોનો થશે ઉમેરો
ભરૂચ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે અંકલેશ્વર ખાતે રૂ.૬૩૭.૯૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ થશે. જેમાં ૫૮૬.૦૨ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા ૫૧.૮૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે
આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા, અને તમામ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા અને ડી.કે. સ્વામી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લાના પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહેશે.
આ વિકાસ કાર્યો થકી ભરૂચ જિલ્લાનો વિકાસ વધુ વેગવંતો બનશે. આરોગ્ય, શિક્ષણ, રોડ- રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત નાગરિકોના જીવન ધોરણને ઉંચુ લાવવામાં મદદરૂપ બનશે.
શિક્ષણ એ સમાજનો આધારસ્તંભ છે, અને આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે શિક્ષણ વિભાગના રૂ. ૧૮.૨૯ કરોડના ખર્ચે ૧૭ જેટલા કામોમાંથી રૂ.૪.૮૨ કરોડના ૮ કામનું ખાતમુર્હુત અને ૧૩.૪૭ કરોડના ૯ કામોનું લોકાર્પણ થશે, જેમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. આ નવી સુવિધાઓ ભરૂચ, જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકાના હજારો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડશે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગર પાલિકા વિસ્તારમાં જુદી- જુદી જગ્યાએ અંડરપાસ ગરનાળાઓ, પેવર બ્લોકના રસ્તા અને ફીશ માર્કેટનું આધુનિકીકરણ કામ થશે, જેનાથી એક લાખથી વધુ શહેરીજનોને સીધો લાભ મળશે અને માછીમાર ભાઈ-બહેનોની સુવિધાઓમાં વધારો થશે.
ભરૂચ જિલ્લામાં નવા રોડ રસ્તા બનતા ભારે વાહનો તથા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ, રસ્તા પરથી પસાર થવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઈઘણ અને સમયની પણ બચત થશે.
મુખ્યમંત્રી દ્નારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂ.૧.૯૫ કરોડના ખર્ચે સાકાર થયેલા ૦૩ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. અને નેત્રંગ તાલુકામાં ૦૧ આરોગ્ય કેન્દ્ર, ૦૧ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ આમોદ તાલુકામાં ૦૧ પેટા આરોગ્ય કેન્દ્ર પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ દ્વારા તાલુકાકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોસમડી ગામ ખાતે ૬૦૦૦૦ ચો.મીટરના વિસ્તારમાં રૂ.૬.૯૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા યુવાનોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને ખિલવવા ઉપયોગી થશે. આ અત્યાધુનિક સંકુલમાં ૨૦૦મી એથલેટીક્સ ટ્રેક, ખો-ખો, વોલીબોલ, કબડ્ડી તેમજ ઇન્ડોર મલ્ટીપર્પસ હોલમાં બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, જુડો, કરાટે તથા જીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રમત સંકુલ બનવાથી અંકલેશ્વર, વાલિયા, હાંસોટ અને ભરૂચ તાલુકાના ખેલાડીઓને વધુ લાભ મળશે. તેમજ આવનાર સમયમાં ખેલાડીઓને સારી તાલીમ મળશે. ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની પ્રેરણા મળશે. રમતગમત ક્ષેત્રે નવી દિશાઓના મંડાણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લામાં આવેલ સ્થંભેશ્વર મંદિર ખાતે પ્રાચીન શિવલીંગના દર્શન કરશે. ત્યાર બાદ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૨ હજાર એકર ભૂમિવિસ્તારમાં નિર્માણાધિન ભારતના સૌથી મોટા બલ્ક ડ્રગ પાર્ક તેમજ અંકલેશ્વરમાં નિર્માણાધિન ટ્રાન્સપોર્ટ નગર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વરની પણ મુલાકાત લેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભરૂચ જિલ્લાની મુલાકાત જિલ્લાની જનતા માટે વિકાસોત્સવ પુરવાર થશે.
