રાજયકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરી
ભરૂચ
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા પીડબ્લ્યુ ગ્રાઉન્ડ, રાજપારડી ખાતે ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામ્રગી, પ્રોટોકોલ ( તમામ સ્વતંત્ર હવાલો), લધુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરીક ઉડ્ડયન, રાજયકક્ષાના મંત્રી
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી હર્ષોલ્લાસભેર થઈ હતી.
આ ઉજવણીના પ્રારંભે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મહાનુભાવોએ રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર ચઢાવી પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે કાર્યક્રમના સ્થળે દીપપ્રાગટ્ય કરી પ્રકૃતિના દેવી યાહામોગી માતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીતરિવાજ મુજબ પુંજન-અર્ચન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર નિશાએ ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણીની સૌને શુભકામનાઓ પાઠવી પ્રસંગને અનુરૂપ પ્રાંસગિક પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મંચસ્થ પદાધિકારીઓ અને વહિવટી તંત્રના અધિકારીઓને પ્રાકૃતિક સંસ્કૃતિને પોષતું વારલી પેઇન્ટિંગ, ભગવાન બિરસા મુંડાની વાંસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તિરકામઠું આપી આદિવાસીઓના સન્માનને વધાર્યું હતું.

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બાંધવોને શુભેચ્છા પાઠવી સમારંભના અધ્યક્ષસ્થાનેથી રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, રક્ષાબંધનના પવિત્ર દિન નિમિત્તે અંબાજીથી લઈ ઉમરગામ સુધી આદીવાસી બાંધવો સાથે ગુજરાત રાજયના મુખ્યમંત્રી તેમના તમામ મંત્રીઓ પણ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષને ગૌરવભેર ઉજવણી કરવા તમારા આંગણે આવ્યા છે, જે દર્શાવે છે કે, સરકાર સતત આદીવાસી બાંધવો માટે પ્રયાસરત રહી કામગીરી કરે છે. આ તકે, આદિવાસી ક્રાંતિના મહાનાયકો ભગવાન બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, તાતિયા ભીલ જેવા અગણિત યોદ્ધાઓએ દેશની સ્વતંત્રતાની,પોતાના સમાજની સુરક્ષાની કાજે આપેલા ગૌરવપૂર્ણ બલિદાન વિશેની વાત કરી હતી. ભવિષ્યની નવી પેઢીઓ ગૌરવપૂર્ણ ઈતિહાસ, બલિદાન અને યોગદાનને યાદ કરે, તેનાથી અવગત થાય એ માટે આપણે સૌએ બીડું ઝડપવું પડશે. આવા સમયે સરકાર દ્નારા ઉજવાતા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીનો પ્રસંગ ખરેખર આ અવસરે સરાહનીય બની રહે છે.
આ પ્રસંગે, આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત, રમતવીર, અને શિક્ષણમાં અગ્ર હરોળના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા. સાથોસાથ રંગારંગ કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઈનામ આપી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત બાંધકામ સમિતિના સભ્ય, ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા, જીલ્લા અગ્રણી પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ, ગામના સરપંચ, તાલુકા અને જીલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
