ભરૂચ
ઘી ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓ.પ. બેંક લી. ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરતી સેવા સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાની સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્ક અને ભરૂચ ડેરીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ‘સહકારથી સમૃદ્ધિ‘ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે, સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારીતાનો મુખ્ય ઉદ્દેશ સામુહિક ઉત્કર્ષનો છે, દેશમાં ૭૫ વર્ષ બાદ સહકારીતા વિભાગ દેશના યશવસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરી છે. આ સહકારીક્ષેત્રનો વિકાસ અવિરત પણે છેલ્લા ૪ વર્ષથી દેશના સહકારમંત્રી શ્રી અમીતભાઇ શાહના માર્ગદર્શનમાં પારદર્શિતા અને જવાબદારીથી આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં સહકારીક્ષેત્રનો વધુને વધુ વિકાસ થાય એ માટે અમે સર્વે પ્રયાસરત રહી કામગીરી કરી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ ગામડાઓ સહકારી મંડળી વિના ન રહે તેની ચિંતા સરકારે કરી છે, સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા સહકારીક્ષેત્રે આવેલ પરીવર્તન પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન, મોડલ બાયલોઝ, સહકારીક્ષેત્રે ભરતી, વિવિધ પેક્સ દ્વારા કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓ વિશે વિગતે માહિતી આપી સહકારી અગ્રણીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના ખેડૂતલક્ષી અભિગમથી સેવા સહકારી મંડળીઓ માટે ૨૨ કરતા પણ વધારે કામગીરી અને સેવાના આયામો ઉમેરવામાં આવ્યા છે. ગામના પૈસા ગામમાં જ રહે અને ખેડૂતો કે પશુપાલકોને હવે કોઈ પણ પ્રકારની સેવા કે કામ માટે તાલુકા કક્ષાએ ના જવું પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં થતું આ સમગ્ર પરિવર્તન ગ્રામિણ અર્થતંત્રમાં ભવિષ્યની તકો માટે પ્રોત્સાહન આપે છે. ખેડૂતોના વિકાસથી જ સહકાર ક્ષેત્ર વિકસિત થશે, તેમ તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું. સહકારી મંડળીઓ આજે ૨૨ જેટલી નવી સેવાઓ સાથે સંકળાયેલી કામગીરી કરી શકે છે. જેમાં જન ઔષધિ કેન્દ્ર, માઇક્રો એટીએમ,પેટ્રોલ પંપ, ગોડાઉન, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, CSC સેન્ટર, બાયલોઝ, કેસીસી કાર્ડ,ગેસ રિફિલ વિતરણ, રેલવે/ એર ટીકીટ, લાઇટબીલ કલેક્શન, મંડળીમાંથી ધિરાણ લેતા સભાસદોને વીમાની સુવિધા, જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ સહિતની સેવાઓની મંજૂરી મોડલ બાયલોઝ અંતર્ગત કેન્દ્ર સરકારે આપી છે. જેના ઉપયોગથી સહકારીક્ષેત્ર અને સેવા સહકારી મંડળીને અવિરત લાભ થવાના એમ તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું.સહકારી મંડળીઓનું મજબૂત નેટવર્ક આજે સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરી રહી છે. તેમના માર્ગદર્શનમાં દેશમાં નવી બે લાખથી વધુ પેક્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સહકારિતા ક્ષેત્રની દેશની પ્રથમ યુનિવર્સીટી એવી ત્રિભુવન સહકારી યુનિવર્સીટીનું ખાતમુહૂર્ત હમણાં જ શ્રી અમિતભાઈએ કર્યું છે, જેના થકી સહકારી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે અને સરકારીક્ષેત્રે પણ પારદર્શિતા વધશે. ગ્રામ્ય અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો સહકાર વિભાગ સહકારના માધ્યમથી ગામડાઓમાં આવક વધારવા અને રોજગારીના નવા અવસરો ઊભા કરવા માટે પ્રતિબદ્ધ છે. જેના માટે આવનારા સમયમાં મંડળીઓ નેશન કો. ઓપરેટીવ એક્ષપોર્ટ લી., નેશનલ કો. ઓપરેટીવ ઓર્ગેનિક લી. અને ભારતીય બીજ સહકાર સમિતિ લી. વગેરેના કારણે ખેડૂતો સહિત સભાસદોને ભરપૂર ફાયદો થનારો છે. ખેડૂત ખેતી કરે, અને ફાયદો વચેટીંયા લઈ જાયની નિતિને બંધ કરી ખેડૂતને પોષણસક્ષ ભાવ મળે તે માટે જ એક સુનિશ્રિત વ્યવસ્થા ઉભી થનાર છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લા ગામડાઓમાં માઇક્રો એટીએમ પહોંચે તેની સુપેરે વ્યવસ્થા ડિસ્ટ્રીક બેન્ક મારફતે થઇ રહી છે. ગામના પૈસા ગામમાં રહે તેની ચિંતા સહકારીતાના માધ્યમથી કરાઇ રહી છે. ભરૂચ જિલ્લાના ગામડાઓમાં માઇક્રો એટીએમથી સુસજ્જ થાય તે દિશામાં કામગીરી થઇ રહી છે, જેનાથી જિલ્લાનો ખેડુતો,પશુપાલકો સમૃધ્ધ થવાના છે.
