ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પવિત્ર મહિનો આજે પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી અંતિમ શનિવારે ઝાડેશ્વર તીર્થ ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી આખો મહિનો શિવભક્તો ઉપવાસ, જળાભિષેક, બેલપત્ર ચઢાવવાનું તેમજ મહાદેવની વિશેષ પૂજા કરીને ભક્તિભાવ દર્શાવતા હોય છે.
આજે અંતિમ શનિવાર અને અમાસ હોવાથી ભક્તો સવારથી જ ઝાડેશ્વર તીર્થ પર પહોંચવા લાગ્યા હતા. મંદિરમાં લાંબી કતારો લાગી હતી, જેમાં મહિલા, પુરુષો અને યુવાનો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તોએ નર્મદા જળ, દુધ, ફૂલ, બેલપત્ર અને ધતુરા દ્વારા ભગવાન શિવની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત ભક્તોએ “ૐ નમઃ શિવાય”ના જયઘોષ સાથે આખા મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો.ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ભક્તોને દર્શન માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા કરીને પરિવારના કલ્યાણ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
