ઓફિસ ટાઈમમાં શહેરના તમામ રસ્તાઓ પર અકળાવે તેવો ચક્કાજામ સર્જાય છે
રસ્તા પરના ખાડાઓને કારણે સ્થિતી વધુ વકરતી હોવાનો વાહન ચાલકોમાં રોષ
। ભરૂચ ।
ભરૂચ શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયાં છે. વરસાદી માહોલ અને ખાડાઓ ભરેલાં માર્ગોને કારણે વાહનોની ગતિ મંદ પડી જવાને કારણે શહેરના મુખ્યમાર્ગો પર સતત ટ્રાફિકજામની સ્થિતી રહે છે. જેના કારણે લોકો તેમના ગંતવ્યસ્થળે સમયસર ન પહોંચી શકતા ભારે નુકસાનનો સામનો કરી રહ્યાં છે. તેમાંય દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી આવતાં અનેક વાહનો બાયપાસને બદલે શહેરના રસ્તા પરથી પસાર થતાં હોવાને કારણે શહેરી માર્ગો પર અસહ્ય ટ્રાફિક થઈ જાય છે.
ભરૂચ શહેરમાં રહેતાં લોકો હાલમાં અસહ્ય ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જિલ્લાની દહેજ-વિલાયત જીઆઈડીસીને કારણે ભરૂચ શહેરમાં એક તરફ માનવ વસ્તી વધી છે. સાથે સાથે વાહનોની સંખ્યા વધવાને કારણે દિનપ્રતિદિન ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. બીજી તરફ હાલમાં ચોમાસાની મોસમ હોવાથી શહેરી માર્ગોની હાલત બદથી બદતર થઈ રહી હોવાને કારણે માર્ગપરથી વાહન ચલાવવું એક તરફ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ઓફિસ સમયમાં શહેરમાં ટ્રાફિક માથામાં દુ:ખાવા જેવો બની રહ્યો છે.
બીજી તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતાં કેટલાંય વાહન ચાલકો ભરૂચ શહેરમાં આવી જતાં હોવાને કારણે શહેરના સાંકળા રસ્તાઓમાં વાહનો જાણે એકબીજાને અડીને ચાલતાં હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ઉપરાંત શહેરના શ્રવણ ચોકડી ખાતે એલિવેટેડ કોરીડોરની કામગીરી ચાલીરહી હોવાને કારણે ત્યાં પણ વાહનોની ગતિ મંદ પડી જાય છે. સર્વિસ રોડ પર પડેલાં ખાડાઓને કારણે વાહનો ૧૦-૨૦ કિમી પ્રતિકલાકની ગતિએ ચલાવવા પડતાં હોવાથી રોડ પર વાહનોનો ખડકલો કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા તાકિદે ટ્રાફિક નિવારણ માટે કોઈ માર્ગ કાઢવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગુગલ મેપના કારણે ટ્રાફિક સર્જાય છે નેશનલ હાઈવે પર ટ્રાફિક રહેવાને કારણે અનેક વાહનો એક્સપ્રેસ વે તરફ વાહનોને વાળતાં હોય છે. ત્યારે ભરૂચ શહેરના આંતરિક રસ્તાઓ અંગે કોઈ ખાસ જાણકારી ન હોવાથી લોકો ગુગલ મેપનો ઉપયોગ કરતાં હોય છે. જેમાં બાયપાસને બદલે શહેરના આંતરિક રસ્તાઓ બતાવતાં હોવાને કારણે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે.- વિમલ રાણા, વાહન ચાલક, ભરૂચ.
ટ્રાફિક નિવારણ માટે પોલીસ જવાનો સાથે હોમગાર્ડ-લોકરક્ષક દળના જવાનો મુકાશે ભરૂચ શહેરમાં અતિષય વધી ગયેલાં ટ્રાફિકને કારણે લોકોને એક તરફ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ ટ્રાફિક નિવારણ માટે શહેરના વિવિધ પોઈન્ટની મુલાકાત લઈ ટ્રાફિક થવાના મુખ્ય કારણો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની શ્રવણ ચોકડી, દહેગામ ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી સહિત મુલદ ટોલપ્લાઝા સહિતના પોઈન્ટ પર જઈ ભૌગોલિક સ્થિતીની માહિતી મેળવી હતી. તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે દરેક મહત્વના પોઈન્ટ પર પોલીસ જવાનોની સાથે હોમગાર્ડ તેમજ લોક રક્ષક દળના જવાનોને મુકવામાં આવશે તેઓ તેમણે નિર્ણય લીધો હતો.
