ભરૂચ
નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલે જણાવ્યું કે, હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીએ ભારત દેશને 3 જેટલાં ગોલ્ડ મેડલ અપનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે ત્યારે આજે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોવાનું ગૌરવ છે. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા માટે વિવિધ પહેલોની પણ ચર્ચા કરવામાં આવી હતી. રમતથી યુવાનોમાં શિસ્ત, સમર્પણ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન મળે છે. જીવનભર વ્યકિત ફીટનેશ પ્રત્યે રૂચિ કેળવી ઊર્જાવાન બને છે.
વધુમા મહાકુંભ સ્પર્ધા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના રમતવીરો માટે સૌથી મોટો ઉત્સવ એટલે કે, ખેલ મહાકુંભ- ૨૦૨૫માં ભાગ લેવા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. શાળા કક્ષાએથી કોઈને કોઈ રમતોમાં ભાગ લેવા મંચ ઉપરથી તેમણે આહ્વાન કર્યું હતું અત્રે ઉલ્લેખનિય છે કે, ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લાના રમતવીરો https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ થી તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર કોલ કરીને માહિતી પ્રાપ્ત કરી શકે છે. ખેલ મહાકુંભ અન્વયે જુદી જુદી ૩૯ રમતો યોજાશે આ તકે, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ભરૂચ દ્નારા નિર્મિત રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભુતિબા યાદવ, ભરૂચ મામલતદાર મિસ્ત્રી, જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, શાળાના પ્રિન્સિપલ, સ્કૂલ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
