૮ મીટર પહોળો અને ૮૦૦ મીટર લાંબો રસ્તો બનાવાશે, બે તબક્કામાં કામ થશે
આગામી ૨૦ નવેમ્બર સુધી રેલ્વે સ્ટેશન તરફ જતો રેલ્વે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ
। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશનથી ગોદી રોડ થઈ એલ્યુમિનીયમ ફેકટરી સુધીના ૮ મીટર પહોળા અને ૮૦૦ મીટર લાંબા આરસીસીના નવા રસ્તો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. પહેલા તબક્કામાં કાર્તિક સ્વામી મંદિરથી ભૃગુઋષિ બિજ સુધીની કામગીરી થશે જેને લઈને વાહનોને ડાયવર્ઝન અપાયુ છે. આ કામગીરી પુર્ણ થયા બાદ ભૃગુઋષિથી એલ્યુમિનીયમ ફેકટરી સુધીના માર્ગની કામગીરી હાથ ધરાશે.
રેલ્વે ગોદી ભૃગુઋષિ બિજની નીચેથી રેલ્વે સ્ટેશન તરફ જતો રેલ્વે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર બંધ કરાવી ડાયવર્ઝન આપવા બાબતે મુખ્ય અધિકારી ભરૂચ નગરપાલિકા ભરૂચે જાહેરનામું પ્રસિધ્ધ કરવા રજુઆત કરી હતી. પાલિકા દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી એલ્યુમીનીયમ ફેકટરી સુધીના ગોદી રોડને આરસીસી રોડ બનાવવાની કવાયત શરૂ કરી છે. ૮ મીટર પહોળા અને ૮૦૦ મીટર લાંબા આરસીસી રોડની કામગીરીને લઈને ટ્રાફીકનો પ્રશ્ન સર્જાવવાની શકયતા છે જેથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષક ભરૂચે હકારાત્મક અભિપ્રાય આપેલ છે.
નગરપાલિકા દ્વારા બે તબક્કામાં આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે જેના ભાગરૂપે પહેલા કાર્તિક સ્વામી મંદિરથી ભૃગુઋષિ બિજ સુધીની કામગીરી શરૂ થશે. જેના માટે વાહન વ્યવહાર ડાયવર્જન આપવામાં આવ્યુ છે. જે જાહેરનામાંમા જણાવ્યા મુજબ પ્રતિબંધિત વાહન વ્યવહાર ભૃગુઋષિ બિજની નીચેથી રેલ્વે સ્ટેશન તરફ જતો, રેલવે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીનો રસ્તો પ્રતિબંધિત કરાયો છે. જયારે ડાયવર્ઝન રૂટ નંદેલાવથી ભૃગુઋષિ બિજ સર્વિસ રોડ થઈ શક્તિનાથ સર્કલ સુધી અને શકિતનાથ સર્કલ ભૃગુઋષિ બિજ સર્વિસ રોડ થઈ નંદેલાવ તરફ જઈ શકાશે. જયારે શકિતનાથ સર્કલથી ગીતાપાર્ક, હિતેષનગર, ફલશ્રૃતિનગર થઈ ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ સુધી અને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલથી ફલશ્રૃતિનગર-હિતેષનગર-ગીતાપાર્ક સોસાયટી થઈ શકિતનાથ સર્કલ સુધી જઈ શકાશે. એન.આર.ધાંધલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી)અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી તા.૨૦-૧૧-૨૦૨૫ ના ૨૪.૦૦ કલાક સુધી રેલ્વે સ્ટેશન તરફ જતો રેલ્વે કોલોની પાસે આવેલ કાર્તિક સ્વામી મંદિર સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવા તથા ઉપરોકત જણાવ્યા પ્રમાણેના રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા હુકમ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાંના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી, અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
