સૌથી વધુ માર્ગ અકસ્માતના ૧૧૦ જેટલા કેસો જયારે ૭ જેટલા કેસો દાઝવાના મળ્યા 40 એમ્બ્યુલન્સ તેમજ 130 જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 40 એમ્બ્યુલન્સના 130 જેટલા કર્મીઓ ખડે પગે રહીને કુલ 360 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ માર્ગ અકસ્માતના 100 કેસો નોંધાયા હતા.
દિવાળી હોય કે અન્ય સમય પરંતુ તહેવારોમાં જિલ્લાઓમાં ઈમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં સેવા આપતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવામાં હંમેશા ખડે પગે રહીને ઈમરજન્સીમાં લોકોને મદદરૂપ થાય છે. આવી જ રીતે દિવાળીના તહેવારોમાં પણ સામાન્ય દિવસોમાં એક દિવસના આશરે 104 જેટલા કેસો નોંધાતા હોય છે જે દીવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ 120 જેટલા કેસો એટલે કે 15.83 ટકા જેટલા વધારો, નવા વર્ષના દિવસે 118 જેટલા કેસો એટલે કે 13.90 ટકા જેટલો વધારો તથા ભાઈબીજના દિવસે 122 કેસ એટલે કે 17.76 ટકા જેટલો કેસોમાં વધારો નોંધાયો એવું અનુમાન કરવામાં આવ્યુ છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને ભરૂચ 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જિલ્લાની 40 એમ્બ્યુલન્સ સાથે આશરે 130 કર્મચારીઓ ૨૪ કલાક લોકોની આરોગ્યની સેવા માટેનું આયોજન કર્યુ હતુ. દિવાળીના દિવસોમાં કુલ 360 કેસો નોંધાયા હતા જેમાં 20 મી ઓકટોબર દિવળીના દિવસે 120 કેસ, 22 ઓકટોબર નવા વર્ષના દિવસે 118 કેસ અને 23 ઓકટોબર ભાઈબીજના દિવસે 122 કેસો નોંધાયા હતા. માર્ગ અકસ્માત તેમજ અન્ય રીતે પડી જવાથી ઘવાયેલાંના કુલ 100 કેસ, પ્રસૃતિના 93 કેસ, શ્વાસની તકલીફના 27, હ્રદયને સંબંધી રોગના 11 કેસ તેમજ પેટમાં દુ:વાના 36 કેસ, ઝેરી દવા પીવાના 17 કેસ સહિતના કેસોમાં ટીમોએ તુરંત એક્શનમાં આવી સારવાર કરી હતી.
