ભરૂચમાં ઓપરેટરની બાઈકને કારે ટક્કર મારી, ગલેન્ડા પાસે યુવાનની બાઈક સ્લીપ થઈ
।ભરૂચ ।
વાગરા તાલુકામાં આવેલાં ગલેન્ડા ગામે રહેતાં નિરજ શ્રીરામ પ્રકાશ યુપીએલ-૧૨ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો. તેની સાથે રહેતો સોનુ અજયસિંહ પણ તેની સાથે જ કામ કરતો હતો. ગકાલે તેઓ નોકરીએ ગર્યા હતાં. બાદમાં સાંજના સમયે તેઓ નોકરીએથી છુટતાં સોનુએ નિરજને જણાવ્યું હતું કે, તમે ત્રણેય બાઈક પર થરે જતાં રહો હું એકલો મારૂ કામ પતાવીને પછી આવીશ. તેમ કહેતાં નિરજ અમિત તેમજ ઉજવલ સાથે બાઈક પર પોતાની રુમમાં ગયાં હતાં. રાત્રી સાડા આઠેક વાગ્યે સોનુના ફોનથી અન્ય શખ્સે ફોન કરી જણાવ્યું હતું કે, તેનો અકસ્માત થયો છે.
જેથી તેઓ સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું હતું કે, સોનુ બાઈક લઈને ગલેન્ડા ટીપીએલ કંપની પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાં બાઈક સ્લીપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગસ્તને ભરૂચ સિવિલમાં ખસેડયો હતો.
બીજા બનાવમાં ભરૂચના ચાવજ ગામે વૃંદાવન રેસિડન્સીમાં રહેતાં અને જોલવા ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં સંદિપ શાંતિલાલ પરમાર તેમના પુત્રને પાંચબત્તી લેવા માટે બાઈક લઈને જઈ રહ્યાં હતાં. તે વેળાં જૂની મામલતદાર કચેરી પાસે એક કાર ચાલકે પાછળથી ધસી આવી તેમની બાઈકને ટક્કર મારતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ બાઈકને પણ ભારે નુકસાન કર્યું હતું બનાવ સંદર્ભે તેમને ભરૂચ એ ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
