જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લાશ નહીં ઉપાડવાની ચીમકી
ભરૂચ.
દહેજમાં આવેલી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ કંપની સંકુલમાં એક કર્મચારીનું શ્વાસ રૂંધાવાથી મોત થવાની ઘટના સામે આવી છે. ત્યારે કંપની દ્વારા મૃતકના પરિવારને માત્ર 3 લાખનું વળતર ચુકવવાની વાત કરાતાં પરિવારજનોમાં રોષ ફાટી નિકળ્યો હતો. પરિવારજનો તેમજ તેમના પરીચિતો તથા સામાજિક આગેવાનોએ કંપની સામે યોગ્ય વળતરની માગ સાથે રવિવારે મોડી સાંજ સુધી પરિવારજનોએ મૃતદેહ નહી ચીમકી સાથે ઘરણાં કર્યાં હતાં.
જંબુસર તાલુકાના સીગામ ગામના વતની અને હાલમાં ભરૂચ ખાતે રહેતો યુવરાજસિંહ અર્જૂનસિંહ યાદવ દહેજમાં આવેલી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના યુનિટ નંબર 5માં છેલ્લાં પાંચ વર્ષથી ફરજ બજાવતો હતો. ગઇકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કંપનીના કંપાઉન્ડમાં હતો. તે વેળાં અચાનક તેના શ્વાસ રૂંધાવા લાગ્યાં હતાં. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તુરંત દોડી આવ્યાં હતાં. તેઓ હોસ્પિટલમાં પહોંચતાં કંપનીના કોઇ સક્ષમ અધિકારી ત્યાં હાજર ન હોવાને કારણે તેમનો રોષ ફાટી નિકળ્યો હતો. ઘટનાને પગલે મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠતાં કંપની સંચાલકો ત્યાંથી રફૂચક્કર થઇ જતાં મામલો ગરમાયો હતો. જેના પગલે રવિવારે તેમના ગામના સરપંચ સહિતના આગેવાનો તેમજ સગા-સંબધીઓ કંપનીના ગેટ સામે એકત્ર થયાં હતાં. કંપનીના સત્તાધિશોએ મોડે સુધી તેમને મુલાકાત આપી ન હતી. ઉપરાંત મોડી સાંજ સુધી માત્ર 3 લાખનું વળતર ચુકવવાની બાંહેધરી આપતાં પરિવારજનોએ સ્થળ પર ધરણાં કર્યાં હતાં. બે કરોડના વળતરની માગ સાથે જ્યાં સુધી તેમની માગ નહીં સંતોષાય ત્યાં સુધી પરિવાર મૃતકના દેહને નહીં ઉપાડે તેવી ચિમકી આપી હતી.
