Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાની સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીનો રાજ્યનાં સહકારી બેન્કીંગ ક્ષેત્ર સાથે વિડીયો સંવાદ.

Share

નાના માણસો ધંધો વેપાર વ્યકિગત કારીગરો-વ્યવસાયિકોની સ્થગિત થઇ ગયેલી
આર્થિક સાયકલના લૂબ્રિકન્ટ-ચાલકબળ સહકારી બેન્કીંગ ક્ષેત્ર બને-મુખ્યમંત્રીશ્રીનું આહવાન
શ્રી વિજયભાઇ રૂપાણી :-
 આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે
 નાના માણસ માટે મોટું પેકેજ
 રૂ.૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ૩ વર્ષ માટે આપવાની પહેલ
 સહકારી બેંકીંગ ક્ષેત્રમાં નાના માણસો-વેપારીઓ-છેવાડાના માનવીનો ભરોસો-પોતીકાપણું ભાવ સમાયેલો છે
 ધોબી-વાળંદ-મોચી-દરજી કામ કરનારા સહિતના નાના વ્યવસાયકારોનો હાથ ઝાલી તેમને પુન: બેઠા કરવા-આર્થિક આધાર આપવાની પૂણ્ય તક સહકારી ક્ષેત્રને મળી છે.
 ભૂકંપ-પૂર-વાવાઝોડાની વિપદામાંથી ખમીર-ઝમીરથી બેઠું થયેલું ગુજરાત કોરોના સામેનો જંગ જીતી ઉત્તમથી સર્વોત્તમની ગતિ જારી રાખશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જિલ્લા સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝના પદાધિકારીઓને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં સક્રિય સહભાગીતાથી નાના માણસો, નાના-છૂટક ધંધા વ્યવસાયકારોની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ લૂબ્રિકન્ટ બનવા પ્રેરક આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સહકારી બેન્કીંગ ક્ષેત્રના સૌ આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ સંવાદ કરીને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં તેમના સહયોગને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત દેશમાં વેપાર-ઊદ્યોગ, નિકાસ, એફ.ડી.આઇ., જી.ડી.પી.માં અગ્રેસર રહેલું છે. ઉત્તમથી સર્વોત્તમની આપણી ગતિ અને દિશામાં બે માસથી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીએ થોડીક રૂકાવટ ઊભી કરી છે. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે અને ગુજરાતીઓએ પોતાના આગવા ખમીર અને ઝમીરથી ભૂકંપ, વાવાઝોડું, પૂર હોનારત જેવી આપદામાંથી માર્ગ કાઢી વિકાસની અવિરત ગતિ આગળ ધપાવી જ છે. હવે, કોરોનાની આ સ્થિતીમાં બે-અઢી મહિનાથી જે આર્થિક સાયકલ સ્થગિત થઇ ગઇ છે તેને ચાલકબળ આપવા, ખાસ કરીને નાના માણસો, નાના વેપાર-ધંધા રોજગાર કરનારાઓને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’થી સહકારી ક્ષેત્રોના સથવારે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધુ મુશ્કેલી આવા નાના વ્યવસાયકારો, વ્યકિતગત કારીગરો, ધોબી, વાળંદ, મોચી, દરજી કામ કરનારા વગેરેને પડી છે ત્યારે તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા અને આત્મનિર્ભરતાથી આર્થિક આધાર આપવામાં આ યોજના ‘‘નાના માણસ માટે મોટું પેકેજ’’ રૂપ પૂરવાર થશે. તેમણે જણાવ્યું કે, આવા નાના કારીગરો, વ્યવસાયીકો, દુકાનદારો સાથે સહકારી ક્ષેત્રનો ધરોબો હોય છે. એટલું જ નહિ, છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલી સહકારી બેન્કીંગ પ્રવૃત્તિમાં આવા માણસોનો પોતીકાપણાનો ભાવ અને ભરોસો પડેલો છે. સામાપક્ષે સહકારી બેન્કીંગ ક્ષેત્રના આગેવાનો, સભાસદોમાં પણ આવો એકબીજાને ઊભા કરવાનો અને સેવાનો સહકાર ભાવ છે ત્યારે, આવી લોન સહાય આપવામાં કે નાના કારીગરોને તે મેળવવામાં કોઇ કચાશ નહિ રહે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સામાન્યત: બજારમાં ૧૦ થી ૧ર ટકાના વ્યાજ દરે મળતી આવી લોન સહકારી બેન્કો માત્ર બે ટકાએ આપીને નાના વ્યવસાયકારોની સંવેદનામાં ભાગીદાર બની છે. રાજ્ય સરકાર પણ બાકીના ૬ ટકા એટલે કે ત્રણ વર્ષ માટે ૧પ થી ૧૮ હજાર રૂપિયા ભોગવીને નાનો માણસ ઝડપભેર પગભર થાય તેની ચિંતા કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રના સભાસદોને પણ એવો અનુરોધ કર્યો કે આ સભાસદો પોતાના વિસ્તારના આવા નાના-નાના ધોબી, વાળંદ, મોચી, સર્વિસ સેકટરના વ્યવસાય, ધંધો-વેપાર કરનારા લોકોને બેંકો સાથે જોડીને વધુને વધુ લોકોને લોન મળે તેવું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીશ્રીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રની શાખ-પ્રતિષ્ઠાને બિરદાવતા ઉમેર્યુ કે, આવા નાના અને જરૂરતમંદ લોકોની વિપદામાં પડખે ઊભા રહેવાની ઇશ્વરે તેમને જે તક આપી છે તેને ઇશ્વરીય કાર્ય અને સદભાગ્ય સમજી સહકારી બેન્કીંગ ક્ષેત્રનો પ્રત્યેક વ્યકિત ઉપાડી લે તે જરૂરી છે. તેમણે ‘‘વિના સહકાર નહિં ઉદ્ધાર’’ના ધ્યેયમંત્ર સાથે નાના માણસોની આર્થિક ગતિવિધિઓને વેગ આપવા અને સૌ સાથે મળીને કોરોના સામેનો જંગ જીતવા પણ પ્રેરણા આપી હતી. અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્રભાઇ મહેતા અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રી અજયભાઇ પટેલે સમગ્ર સહકારી બેન્કીંગ ક્ષેત્ર આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં સંપૂર્ણ સહયોગ અને ત્વરિત લોન આપવામાં સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી. આગામી ર૧મી તારીખથી આ લોન સહાય મેળવવા માટેના ફોર્મ રાજ્યભરમાં અર્બન કો-ઓપરેટીવ બેંક, જિલ્લા સહકારી બેંક અને ક્રેડીટ સોસાયટીઝની શાખાઓ મળી ૯ હજાર જેટલી જગ્યાએથી મળશે એની પણ ભૂમિકા તેમણે આપી હતી. તેમણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની સ્થિતીને કારણે નાના ધંધો-રોજગાર વ્યવસાયકારોને પુન: પૂર્વવત કરવા મોટો આર્થિક આધાર આપવા કરેલી આ યોજનાકીય પહેલને બિરદાવી હતી. રાજ્યભરના સહકારી બેન્કીંગ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, સભાસદો આ વિડીયો કોન્ફરન્સીંગમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબુકથી જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વાગરા તાલુકાનાં પણીયાદરા ગામ ખાતેથી જુગાર રમતા 7 જુગારીઓ ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!