Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ ને પ્રાથમિક ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું

Share

વિશ્વભરમાં સ્થાયી કૃષિમાં પ્રાથમિક અનાજ એવા મિલેટ્સની નોંધપાત્ર ભૂમિકા સમજીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ ને પ્રાથમિક ધાન્ય (બરછટ અનાજ)ના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે. સમગ્ર વિશ્વમાં બાજરીના વાવેતરનો વિસ્તાર વધારવાનું નક્કી કર્યું છે, ત્યારે વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે તેના લાભોને અમલમાં મૂકવા માટે ભારત દેશ પાસે સુવર્ણ તક છે.

પ્રાથમિક અનાજ એવા બાજરો, જૂવાર, કોદરા, સામો, રાગી અને નાગલી જેવા ધાન્ય મનુષ્યોનો સૌથી જૂનો અને જાણીતો ખોરાક છે. સિંધુખીણની સંસ્કૃતિના સમયની વાત કરીએ તો, મિલેટ્સની ખેતી અને ખોરાક તરીકે ઉપયોગ થતો હોવાના કેટલાક પુરાવાઓ મળ્યા હતા અને તે ઉપરથી તારણ કાઢવામાં આવ્યું છે કે, ભારતમાં ખોરાક તરીકે ગણવામાં આવતા પાકોમાં બાજરી મોખરે હતી. તો આવું અનેરું મહત્વ ધરાવતી બાજરીને લોકો ઓળખે અને તેના પોષણક્ષમ મૂલ્યોને લોકો સમજવાની સાથે વૈશ્વિક માંગ ઊભી કરવાના હેતુથી દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૧૮ માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. માર્ચ-૨૦૨૧ ના રોજ તમામ સભ્યરાષ્ટ્રોમાંથી કુલ ૭૨ રાષ્ટ્રના મત સાથે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા વર્ષ-૨૦૨૩ ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

ભારતમાં વિવિધ પ્રકારના બરછટ ધાન્યનો પરંપરાગત રીતે ઉપયોગ થતો હતો, પરંતુ વર્ષ ૧૯૬૦ ના દાયકામાં હરિયાળી ક્રાંતિ દ્વારા ખાદ્ય સુરક્ષા પર દબાણ આપ્યા બાદ લોકો આવા પ્રાથમિક અનાજના ઉપયોગને ઓછો કરવા લાગ્યા હતા અને લગભગ ભૂલી ગયા હતા. જેના કારણે બાજરીના પાકને ‘અનાથ પાક’ તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી. બાજરીના વપરાશમાં ઘટાડો થયો એટલુ જ નહીં પરંતુ ઉત્પાદન હેઠળના વિસ્તારને વ્યાપારી પાકો તેલીબિયાં, કઠોળ અને મકાઈ જેવા પાકથી બદલવામાં આવ્યા હતા. આ તમામ વ્યાપારી પાકો ફક્ત નફાકારક હતા તેમ ન હતું, પરંતુ તેની ખેતી અને ઉત્પાદનને સબસિડી, પ્રોત્સાહક પ્રાપ્તિ અને જાહેર વિતરણ પ્રણાલી દ્વારા સરકારની વિવિધ નીતિઓ દ્વારા સમર્થન આપવામાં આવતું હતું. જેના કારણે બાજરીની સરખામણીમાં બીજા કેલરી સમૃદ્ધ અનાજ તરફ ઝુકાવ વધવાની સાથે લોકોની ખોરાકની પેટર્નમાં ફેરફાર થવા લાગ્યો.

ત્યારબાદ ભારત સરકારે દેશમાં પોષણ સુરક્ષાના નિર્માણમાં બાજરીના મહત્વને સમજીને ફરીથી પ્રોત્સાહીત કરવા માટે બાજરીના પૌષ્ટિક ગુણોને ધ્યાનમાં રાખીને એપ્રિલ-૨૦૧૮ ના રોજ ભારત સરકાર દ્વારા તેને ‘ન્યુટ્રી સેરેલ’ એટલે કે પૌષ્ટિક અનાજ તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું. મિલેટ્સના પ્રોટીન, ફાયબર, ખનીજ તત્વો, આયર્ન અને કેલ્શિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી તેમજ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોવાથી વર્ષ-૨૦૧૮ને ‘નેશનલ ડે ફોર મીલેટ્સ’ (રાષ્ટ્રીય પ્રાથમિક અનાજ વર્ષ) તરીકે ઉજવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર સંશોધન અને વિકાસ સહાય દ્વારા મિલેટ્સના પોષણક્ષમ અનાજ તરીકે પ્રોત્સાહીત કરવાની સાથે ૩ શ્રેષ્ઠતા કેન્દ્રોની પણ સ્થાપના કરી છે.

બરછટ અનાજ એવા ખૂબ જ પોષણક્ષમ આહારની સાથે એક સ્માર્ટ ખોરાક તરીકે પણ ગણના થાય છે. વધુ સંતુલિત એમિનો એસિડ સાથે પ્રોટીનના ઉચ્ચ સ્તરના કારણે મિલેટ્સ પોષક રીતે ઘઉં અને ચોખા કરતા શ્રેષ્ઠ છે. તેવી જ રીતે કેટલાક મુખ્ય અનાજની તુલનામાં બાજરીના આહારમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે છે. તે સાથે બાજરીમાં વિવિધ ફાયટોકેમિકલ્સ પણ હોય છે જેના કારણે એસિડિટી વિરોધી અને એન્ટી ઓક્સીડેટિવ ગુણધર્મોના કારણે રોગનિવારક ગુણધર્મો ધરાવે છે. તે સાથે બાજરીના અનાજ કાર્બોહાયડ્ટ્રેટ, પ્રોટીન ડાયેટરી ફાયબર અને સારી ગુણવત્તાવાળી ફેટનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે સાથે તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, મેંગેનિઝ, આયર્ન અને બી કૉમ્પ્લેક્સ વિટામિન્સ જેવા ખનિજ તત્વોના કારણે બધાજ અનાજમાં પ્રાધાન્યક્ષમ પસંદગી બની જાય છે. બાજરો સ્થૂળતા, ડાયાબિટીસ અને રોજીંદી આરોગ્યલક્ષી સમસ્યાઓનો પડકાર કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે.

નાના બીજવાળા ઘાસને બાજરીના સમૂહમાં વર્ગીકૃત કરવા માટેનો સામાન્ય શબ્દ છે. જેને પોષણક્ષમ અનાજ અથવા સૂકી જમીન અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં જુવાર, બાજરી, રાગી, નાનો બાજરો અને ફોકસટેલ બાજરી, ચીના, સાવા અને કોદરો અને અન્ય બાજરીનો સમાવેશ થાય છે. બરછટ અનાજ એ શુષ્ક અને અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય સૂકી જમીનની કૃષિ ઇકોલોજીને અનુરૂપ મુખ્ય પાક છે. ભારતના નીચેથી મધ્યમ વરસાદવાળા ( ૨૦૦-૮૦૦ મીમી વરસાદ) મોટા ભાગના રાજ્યોમાં બાજરીનું ઉત્પાદન થાય છે. સૂકી જમીન માટે તો મિલેટ્સ કરોડરજ્જુ સમાન છે. ઓછા કાર્બન, ઓછા પાણીથી થતો અને ઉચ્ચ તાપમાનનો સામનો કરી શકે તેવો આ પાક છે. ખૂબ જ ઓછા અથવા કોઈ પણ પ્રકારના ઇનપુટ વિના ઓછી નબળી જમીન પર ઉગે છે. એટલા માટે જ તેને ‘ચમત્કારી અનાજ’ અથવા ભવિષ્યના પાક તરીકે ઓળખવામાં આવે છે. કલાયમેટ ચેન્જના સમયમાં તે નાના ખેડૂતો માટે સૌથી સુરક્ષિત પાક છે. કારણ કે મિલેટ્સ અત્યંત ગરમ (૫૦° સે. સુધી) અને દુષ્કાળના વાતાવરણમાં સખત, સૌથી સ્થિતિસ્થાપક અને આબોહવા અનુકૂલનક્ષમ પાક છે. બીજી તરફ મિલેટ્સનું ઉત્પાદન રાસાયણિક ખાતરોના ઉપયોગ પર આધારિત નથી. વધુમાં આ પાકોમાં જીવાતો થતી નથી અને બાજરી સંગ્રહની જીવતોથી પણ પ્રભાવિત થતી નથી. આમ, ધરતીપુત્રો માટે અત્યંત સરળ અને ઓછી ખર્ચાળ ખેતી થઈ શકે છે.

આવા મિલેટ્સનો પાક ભારતમાં મુખ્યત્વે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થાય છે. અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તથા એ.પી.ઇ.ડી.એ. ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ગુજરાત રાજ્ય સૌથી વધુ નાની બાજરી પકવતું રાજ્ય છે. ભારતમાં કુલ મિલેટ્સના ઉત્પાદનના ૧૨ ટકા મિલેટ્સની ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ધાન્ય પાકોમાં બાજરી ગુજરાતનો બીજા નંબરનો સૌથી અગત્યનો ધાન્ય પાક છે. રાજ્યમાં બાજરાનું વાવેતર લગભગ ૬-૭ લાખ હેક્ટર ખરીફ ઋતુમાં અને દોઢથી બે લાખ હેક્ટર વાવેતર ઉનાળામાં કરવામાં આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

બાજરીના પાકને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી છે. વર્ષ-૨૦૧૮ને ‘નેશનલ મિલેટ યર’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિક્રમ સંવત ૧૯૫૬માં પડેલા ભયાવહ દુષ્કાળ દરમિયાન લાલ જુવારે અનેક લોકોના પેટની અગ્નિ શાંત કરી હતી. લાલ જુવારને ગુજરાતના અનેક પ્રાંતમાં ‘કાળબૂરિયા’ જુવાર તરીકે ઓળખવામાં આવે છે.

‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ની ઉજવણીનો નિર્ણય વિશ્વભરમાં સ્થાયી કૃષિમાં પ્રાથમિક અનાજની નોંધપાત્ર ભૂમિકા અને સ્માર્ટ અને સુપરફૂડ તરીકેના તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે તેમા કોઈ બેમત નથી.


Share

Related posts

સુરત : ઓલપાડ તાલુકા ટીચર્સ સોસાયટીની ૯૬ મી વાર્ષિક સાધારણ સભા મંડળીનાં ચેરમેન કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઓલપાડમા યોજવામાં આવી.

ProudOfGujarat

વડોદરામાં કોર્ટ જાપ્તાની ગાડીમાં અસ્ફાકને ચરસ આપવા જતો સાગરીત ખાલીદ પકડાયો

ProudOfGujarat

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!