Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોતમાં શંકાસ્પદ સિરપની બોટલો મળી

Share

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોત અને મહુધા તાલુકાના બગડુ ગામે બે એમ કુલ પાંચ વ્યક્તિના જીવ ગયા છે. ત્યારે આ મોતનાં કારણ જાણવા પોલીસ અને આરોગ્ય વિભાગ ઊંડી ઊતરી તપાસ કરી રહ્યાં છે. દરમિયાન ઘટનાના ત્રીજા દિવસે ગામની સીમમાંથી શંકાસ્પદ આયુર્વેદિક ખાલી બોટલોનો બિન વારસી જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત સમગ્ર બનાવની ગંભીરતા જોતાં પોલીસે ત્રણ શખસને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે. આ મામલે રેન્જ આઇજી પ્રેમવીરસિંહ યાદવ નડિયાદ પહોંચ્યા હતા. જેમણે  એસપી,  ડીવાયએસપી સહિત ટીમ સાથે બેઠક કરી પોલીસ તપાસની તલસ્પર્શી માહિતી મેળવી હતી. નડિયાદ તાલુકાના બિલોદરા ગામે અને મહુધા તાલુકાના બગડુ ગામે મળી કુલ પાંચ વ્યક્તિનાં શંકાસ્પદ મોત મામલે પોલીસે સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે.

આજ સવારથી જ પોલીસ તેમજ આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સના ધાડેધાડા ગામમાં ઊતરી પૂછપરછ કરી રહી છે. હાલ આ પાંચ વ્યક્તિનાં શંકાસ્પદ મોતમાં કારણ અસ્પષ્ટ છે. ત્યારે ગામની સીમમાંથી અવાવરું જગ્યાએથી શંકાસ્પદ આયુર્વેદિક ખાલી બોટલનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો. આ અંગે આરોગ્યમંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે, આલ્કોહોલ યુક્ત સિરપ રાજ્યમાં નથી બનતી અને આ સિરપ માટે પરવાનાની જરૂર નથી. આવી સિરપનું ઉત્પાદન રાજ્ય બહાર થતું હોઈ શકે છે. આ ખૂબ ગંભીર બાબત અને તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, 5 લોકોના દુ:ખદ મોત થયા છે. રેન્જ પોલીસ અને એસએમસી તપાસ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ આયુર્વેદિક દવા એક વ્યક્તિ વેચતો હતો. આ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. બીજા બે લોકો આવી કોઈ દવા લીધી નથી. હજુ તપાસ ચાલુ છે. પ્રાથમિક રીતે આયુર્વેદિક સીરપ મેન્યુફેક્ચરિંગમાં કોઈ સમસ્યા હોવાના કારણે થયું હશે. ૫૦થી વધુ લોકોને દવા આપી હતી બધાની તપાસ કરી છે, બધાની તબિયત સારી છે. એક કેસમાં પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મંજૂરી માંગી હતી. એ પત્ર અમને મળ્યો હતો કે ૧૨% કરતાં ઓછું આલ્કોહોલ હોઇ શકે છે. સિરપ મુદ્દે ઊંડાણથી પૂછપરછ થઈ રહી છે. એના પછી આખી વ્યવસ્થા શું છે એ ચકાસણી કરીશું. તપાસ પછી પગલાં લેશું.

સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે મૃતકોમાં સૌપ્રથમ ચાર વ્યક્તિઓનાં મોત થયાં, એ બાદ પાંચમી વ્યક્તિનું મોત થતાં આ વ્યક્તિનું હાલ પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરની ટીમ દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ કરવામાં આવી રહ્યું છે. એ અગાઉ ચાર વ્યક્તિઓનાં મોત થયાં હતાં. તેમનાં સગાંવહાલાઓ કે હોસ્પિટલ મારફત પોલીસને કોઈ જાણ કરી નહોતી, જોકે આ પાંચમી વ્યક્તિનું મોત થતાં પોલીસે તેના પરિવારને સમજાવતાં આ પીએમ કરવામાં આવી રહ્યું છે. હાલ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આ પાંચમી વ્યક્તિ નટુભાઈના શંકાસ્પદ મોત મામલે એડીની નોંધ પણ કરવામાં આવી છે. બ્લડ સેમ્પલ લઈ FSLમાં મોકલવામાં આવશે.

Advertisement

જિલ્લા પોલીસવડાએ વધુમાં જણાવ્યું હતું કે અમને ગામની સીમમાંથી મળી આવેલી આયુર્વેદિક પીણાની બોટલોના જથ્થા મામલે ગામના રહીશ જે આ પીણું વેચી રહ્યા છે તે વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તેણે આ પીણા બાબતે કોઈ પરવાનાની લેવાની જરૂર નહોતી, એવું પણ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ૨૭મી નવેમ્બરના રોજ ત્રણ અને ૨૮મી નવેમ્બરના રોજ બે એમ કુલ પાંચ વ્યક્તિનાં મોત શંકાસ્પદ નીપજ્યાં છે, જેમાં બગડુ ગામના સાળા-જીજાજીનાં મોત થયાં છે. આમાં અલ્પેશ બાબુભાઈ સોઢા (રહે.બગડુ), તેમના સાળા મિતેશ ચૌહાણ (રહે.વડદલા, મહેમદાવાદ) અને બિલોદરા ગામના અશોકભાઈ, અર્જુનભાઈ અને નટુભાઈનો સમાવેશ થાય છે.

પોલીસવડાએ વધુમાં જણાવ્યું હતું કે સિરપ વેચનારના પિતાએ નિવેદન આપ્યું હતું કે તેમણે તેમની દુકાનમાંથી આ સિરપ પીતાં તેમને બેચેની જેવું લાગતું હતું, જેથી તેઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. જ્યારે આ ગામના બળદેવભાઇએ એવું નિવેદન આપ્યું હતું કે તેમણે ૨૬તારીખે આ પીણું પીધું હતું, જેથી તેમને વોમેટિંગ જેવું લાગતું હતું, જેથી તેમણે ખાનગી હોસ્પિટલમાં દવા કરાવી પણ ડોક્ટરે જણાવ્યું કે આમાં કંઇ ખાસ નથી. અત્યારે આ વ્યક્તિ સ્વસ્થ છે. જ્યારે આ આયુર્વેદિક સિરપમાંથી મિથાઇલ આલ્કોહેલની હાજરી મળી આવી છે, જ્યારે ઇથાઇલની હાજરી નથી, એટલે આ પોઇન્ટ મહત્વનો છે, કારણ કે દારૂ ઇથાઇલ આલ્કોહોલ હોય છે, મિથાઇલ આલ્કોહોલ આયુર્વેદિક સિરપમાં કેવી રીતે આવ્યો? એ બાબતની તપાસ ચાલુ છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચમાં ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી : દરગાહો, મસ્જિદો અને મકાનોને રોશનીનો અનોખો શણગાર.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રતિન ત્રણ રસ્તા પાસે થયેલ લૂંટનાં બનાવનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ટાઈગર ઝિંદા હૈ એક્ટર સજ્જાદ ડેલફ્રૂઝના 3 ધમાકેદાર વેલેન્ટાઈન ડે ના પોશાકમાં લુક શેર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!