Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં 62,886 નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડ ધારકોને એપ્રિલ માસનાં રાશનનું વિનામૂલ્યે વિતરણ કરાયું.

Share

“લોકડાઉનના કારણે હાલમાં કામ અને કમાણી બંધ છે ત્યારે એપીએલ-1 માં આવતા મધ્યમ વર્ગીય પરિવારોને પણ એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો નિર્ણય અમારા મોટી રાહત બની રહ્યો છે.” પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની એક ફેર પ્રાઈસ શોપમાંથી પોતાનું રાશન મળ્યા બાદ પ્રિતીબેન દરજી આમ જણાવે છે. વ્યવસાયે કૂક એવા પ્રિતીબેન પોતાના પરિવારના મોભી અને એકમાત્ર કમાનાર છે. તેમના બંને પુત્રો અભ્યાસ કરી રહ્યા છે અને તેમના બા પ્રિતીબેનને મદદ કરે છે. તેઓ જણાવે છે કે કોરોનાના કારણે લોક ડાઉન નાંખવામાં આવ્યું અને તેના કારણે રસોઈ બનાવવાનું કામ અટકી પડ્યું. જો કે ટીવીમાં સરકાર દ્વારા મધ્યમવર્ગીય નોન એનએફએસએ એપીએલ-01 રેશનકાર્ડ ધારક પરિવારોને પણ એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાની જાહેરાત જોતા આ રાશનના ખર્ચ અંગેની ચિંતામાં ઘણી રાહત થઈ ગઈ. તેઓ ઉમેરે છે કે મારા પરિવારમાં ચાર સભ્યો છે. અમને 10 કિલોગ્રામ ઘઉઁ, 03 કિલોગ્રામ ચોખા, 1-1 કિલો ખાંડ, મીઠું અને દાળ વિનામૂલ્યે મળ્યા છે.

એટલે હવે લોકડાઉન દરમિયાન રાશનની સમસ્યા નહીં નડે. તેમણે જણાવ્યું હતું કે વિતરણની શરૂઆતના દિવસોમાં અનાજ લઈ ગયેલા ઓળખીતાઓએ અનાજની ગુણવત્તા બાબત સારો અભિપ્રાય આપતા તેઓ અનાજ લેવા આવ્યા હતા અને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું છે તેમજ જથ્થો પણ સરકારે કરેલી જાહેરાત અનુસારનો છે. કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કાળજીઓ સુનિશ્ચિત કરવા ફરજ પર તૈનાત ફોરેસ્ટ ઓફિસર યશપાલસિંહ પુવારે જણાવ્યું હતું કે સ્ટોરની બહાર નંબરની રાહ જોતી વખતે લાભાર્થીઓ વચ્ચે સલામત અંતર જળવાય તે માટે અમે સર્કલ્સ બનાવ્યા છે. લોકો માસ્ક કે રૂમાલ કે સ્વચ્છ કપડાથી મોં, નાક ઢાંકી રાખવા સૂચના આપી છે તેમજ રજિસ્ટરમાં નોંઘણી કરાવતા પહેલા તેમના હાથ સેનેટાઈઝરથી સાફ કરાવવામાં આવે છે. કોરોના કટોકટી દરમિયાન આવો સંવેદનશીલ નિર્ણય લેવા બદલ રાજીપો વ્યક્ત કરતા પ્રિતીબેને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માસની શરૂઆતમાં અન્ન સલામતી સુરક્ષા યોજના હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને તેમજ રેશનકાર્ડ ધરાવતા ન હોય કે પરપ્રાંતીય હોય તેવા જરૂરતમંદોને અન્નબ્રહ્મ યોજના હેઠળ ફ્રી રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકડાઉનના કારણે મંદ પડેલી આર્થિક પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને મધ્યમવર્ગીય પરિવારોને પણ રાહત આપવાના અભિગમ અંતર્ગત નોન એન.એફ.એસ.એ. અંતર્ગત એપીએલ-1 કાર્ડ ધારક પરિવારોને પણ એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે વિતરણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં કુલ 84,553 નોન એનએફએસએ APL-1 કાર્ડધારક પરિવારો છે, જેમના લાભાર્થીઓની સંખ્યા 3,59,991 થવા જાય છે. આ કુલ રેશનકાર્ડ ધારક પરિવારો પૈકી 19મી એપ્રિલ,2020 ની સ્થિતિએ 62,886 (74.37 ટકા) પરિવારોને એપ્રિલ મહિનાના રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એપીએલ-01 કાર્ડ ધરાવતા જિલ્લાના સુખી સંપન્ન લોકો આ રાશન મેળવવાનો હક જતો કરી જરૂરિયાતમંદોને આ જથ્થો મળે તે માટેનું સામાજિક દાયિત્વ અદા કરે તેવી સંવેદનશીલ અપીલ કરી હતી. જેનો સાનુકુળ પ્રતિસાદ આપતા જિલ્લાના કુલ 3762 રેશનકાર્ડ ધારક પરિવારોએ મળવાપાત્ર ફૂડ બાસ્કેટનો જથ્થો જતો કરીને અનુકરણીય પગલું ભર્યું છે.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમડીનું મંતવ્ય

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર કહે છે, “ફિટનેસ મને મારી માનસિક શાંતિ સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે.”

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાણા વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિકમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું – પીએટી 11.8% વધ્યો અને જીડીપીઆઈ 18.9% વધી, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતા વધુ છે

ProudOfGujarat
error: Content is protected !!