Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે સરકારી ડ્રાઇવર-ભાઇઓ માટે વિવિધ સુવિધા સાથે ખૂલ્લી મૂકાઇ ડ્રાઇવર્સ લોન્જ.

Share

નર્મદા જિલ્લા મથકે રાજપીપલા કલેકટર કચેરી-જિલ્લા સેવા સદન સંકુલમાં કાર્યરત વિવિધ સરકારી કચેરીઓમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહેલા વાહનચાલકો માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુવિધાસભર તૈયાર કરાયેલ ડ્રાઇવર લોન્જને આજે જિલ્લા કલેકટર ડી.એ.શાહે નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વસાવા, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, જિલ્લાના અગ્રણી અરવિંદભાઇ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા અને ચિટનીશ એસ.એન.સોની, ડ્રાઇવર્સ-ભાઇઓ વગેરેની ઉપસ્થિતિમાં આનંદ-ઉમંગ-હર્ષોલ્લાસ સાથે ખુલ્લી મૂકાઇ હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા સેવા સદન સંકુલની વિવિધ સરકારી કચેરીઓમાં હાલ ૧૨ જેટલા વાહનચાલકો સેવાઓ આપી રહ્યાં છે અને તેમના તરફથી જરૂરી સુવિધા સહિત ડ્રાઈવર્સ રૂમની બેઠક વ્યવસ્થા પૂરી પાડવા જિલ્લા પ્રશાસનને કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કલેકટર ડી.એ.શાહે તુરંત જ આ બાબતે માનવીય અભિગમ રાખીને જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત અન્ય વિભાગોને જરૂરી સૂચના આપતા માત્ર બે દિવસમાં જ આ સુવિધા ઉપલબ્ધિ સાથે આજે તેનું લોકાર્પણ કરાયું છે.

જિલ્લા સેવા સદન સંકુલમાં કાર્યરત અંદાજે ૩૪ જેટલી જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા વાહન ચાલક ડ્રાઇવર-ભાઈઓને કચેરી કામકાજના દિવસો દરમિયાન સેવા સદન સંકુલમાં વાહન મૂકીને બેસવા તથા ભોજન-અલ્પાહાર-હેન્ડવોશની સુવિધા સાથે કરાયેલી આ બેઠક વ્યવસ્થાના ભાગરૂપે ઉભી કરાયેલી ફેબ્રીકેટેડ શેડ સાથેની આ ડ્રાઇવર્સ લોન્જમાં ૩ સિટેડ સ્ટીલની કુલ-૪ બેન્ચ, ૧ ઓફિસ ટેબલ, ૧ સેન્ટ્રલ ટિપોઇ, પંખા-લાઈટ, પીવાના પાણીના જગ વગેરે જેવી સુવિધા ઉપરાંત વર્તમાનપત્રો-મેગેઝીન સહિત અન્ય સાહિત્ય, વાંચન-સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ દ્વારા અંગત રસ લઈને તાત્કાલિક ઉભી કરાયેલી ઉપરોક્ત સુવિધાને લીધે જિલ્લા સેવા સદનના ડ્રાઇવર્સ આલમમાં ખુશીની લ્હેર પ્રસરવાની સાથે તેમના તરફથી આ બાબતે આભારની લાગણી વ્યકત કરાઇ છે.

Advertisement

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે તમામ ડ્રાઇવર્સ-ભાઇઓને આવશ્યક ચીજવસ્તુઓની રાશન કિટ્સ એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. જિલ્લા કલેક્ટર શાહે ડ્રાઇવર-ભાઇઓ સાથે સીધો આત્મીય સંવાદ કરી પરિવારના મોભી તરીકે હૂંફ આપી તેમને પ્રોત્સાહિત કર્યાં હતાં.

રાજપીપલા કલેક્ટર કચેરીના સંકુલ ખાતે ડ્રાઇવર્સ લોન્જ ખુલ્લી મૂક્યા બાદ માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા કલેકટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, જિલ્લા સેવા સદન ખાતે ડ્રાઈવર-મિત્રો માટે ઘણા લાંબા સમયથી યોગ્ય વ્યવસ્થાના અભાવની બાબત ધ્યાન ઉપર હતી. જિલ્લા સેવા સદનમાં અલગ-અલગ કચેરીઓ અને તેના અલગ-અલગ અધિકારીઓ કાર્યરત છે અને તેમના ડ્રાઈવર કે પ્યુન-કમ-ડ્રાઈવર ભાઇઓ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે ઉનાળાના તડકામાં અને ચોમાસામાં વરસાદમાં ક્યાં બેસવું તે પ્રશ્નનો હવે સુખદ ઉકેલ આવ્યો છે.

જિલ્લા કલેકટર શાહે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા સેવા સદન ખાતે અલગ-અલગ ફ્લોર ઉપર વોટર કૂલર અને એકવા ગાર્ડ સાથે પીવાના પાણીની સારામાં સારી વ્યવસ્થા કરવાં ઉપરાંત દરેક ફ્લોર ઉપર સારામાં સારા વોશરૂમ તૈયાર કરી દીધા છે. ડ્રાઈવર-કમ-પ્યુન માટે બેસવાની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા અલગ ડ્રાઈવર લોન્જ-ડ્રાઈવર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આ વાહન ચાલકો માટે બેસવાની, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા સાથે વર્તમાનપત્રો-સાહિત્યિક પુસ્તકો – મેગેઝીન જેવી વાંચન સામગ્રી ઉપરાંત અહીં બેસીને ભોજન કરવાની તથા હેન્ડ વોશની વ્યવસ્થા પણ કરાઇ છે એટલે તેઓ એક સારી જગ્યાએ બેસીને પોતાનો સમય પસાર કરી શકે તે પ્રકારની આ સુવિધા ઉપલબ્ધ કરાવતાં “ ટીમ નર્મદા ” અત્યંત હર્ષની લાગણી અનુભવે છે.


Share

Related posts

લાખોના દારૂ સાથે બે ઇસમોની ધરપકડ કરતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વધુ ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા કુલ ૧૧૯૬ કોરોના પોઝિટિવ કેસ થયા

ProudOfGujarat

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!