Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં અર્થોપાર્જન માટે આવેલા શ્રમયોગીઓ મતદાન કરવા વતન જશે.

Share

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં મતદાન કરવામાં એક પણ મતદાર બાકી ના રહે તે માટે વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વડોદરા જેવા મહાનગરમાં અર્થોપાર્જન માટે બહારથી આવેલા શ્રમયોગીઓને મતદાન કરવા માટે પોતાના વતનમાં જવા માટે સવેતન રજાની અનુકૂળતા કરી આપવામાં આવે તે માટે અત્યાર સુધીમાં ૯૦૦ જેટલા એકમોને આ કવાયતમાં જોડવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર સાથે આસપાસના જિલ્લાઓના શ્રમયોગીઓ મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. જેમાં પંચમહાલ, ગોધરા અને છોટાઉદેપુરના નાગરિકો અર્થોપાર્જન માટે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં બાંધકામની સાઇટ ઉપર કામ કરી રહ્યા છે. આ શ્રમયોગીઓને મતદાન કરવા માટે પોતાના વતનમાં સવેતન માટે રજા મળે તે માટે સરકારના વિવિધ કાયદાઓ અંતર્ગત આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.

Advertisement

વડોદરા શહેરમાં હરણી રોડ ઉપર એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગી માલસિંગભાઇ રાઠવા કહે છે, અમને આગામી તા. ૫ મી ડિસેમ્બરના રોજ સવેતન રજા આપવામાં આવી છે. આ બાબતની જાણ થઇ છે. અમે વતન છોટાઉદેપુરમાં જઇને મતદાન કરશું.

આવી જ વાત મોતિસિંગ દલસિંગ પણ કરે છે, તે કહે છે કે મતદાન કરવું એ અમારો અધિકાર છે. હવે અમને પગાર સાથે રજા મળે છે, એ સારી વાત છે. એટલે અમે વતનમાં જઇને મતદાન કરી પરત કામ ઉપર આવી જઇશું.

જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે આવા માઇગ્રેટરી વોટર્સ માટે એક ખાસ સેલ બનાવ્યો છે. જે શ્રમ ખાતામાં કાર્યરત છે. કોઇ શ્રમયોગીને રજા બાબતે મુશ્કેલી હોય તો તે ફોન નંબર ૨૪૨૪૧૮૫ ઉપર માર્ગદર્શન મેળવી શકે છે.

વડોદરા શહેર અને જિલ્લામાં નાનામોટા ચાર હજાર જેટલા વિવિધ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જેમાંથી માઇગ્રેટરી વોટર્સ સેલ દ્વારા ૯૦૦ જેટલા એકમો સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૪ ઔદ્યોગિક એકમો અને ૨૦૦ જેટલા શ્રમિક સંગઠનો સાથે સંપર્ક સાધી મતદાન કરવા માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવા બાબતની જાણકારી આપી સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે.


Share

Related posts

ડેડીયાપાડાનાં રાલદા ગામે મનરેગા યોજના અંતર્ગત ચેકડેમની કામગીરીમાં ભ્રષ્ટાચાર, કામગીરી કરાઇ સ્થગિત.

ProudOfGujarat

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી ફલાય ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!