Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી સઘન સંક્ષિપ્ત સુધારણા અંગે શ્રીમતી શાલિની અગ્રવાલે માધ્યમોને આપી જાણકારી

Share

– તા.૦૧/૦૧/૨૦૧૯ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષની ઉંમર પૂરી થતી હોય તેવો યુવા સમુદાય
મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાની તક ઝડપી લે

Advertisement

– ગણપતિ મહોત્સવ અને નવરાત્રિમાં મતદાર યાદી સુધારણાનો પ્રચાર કરાશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નામ નોંધાવવા અને નોંધાયેલું નામ યથાવત જળવાયું હોવાની ચકાસણી કરી લેવાની, લોકો આજે ચકાસણી કરી લેશે તો ચૂંટણી સમયે મતદાનના દિવસે મતદાન મથકે નિરાશ નહીં થવું પડે અને મતાધિકાર સુરક્ષિત રહેશે. તેમણે ખાસ કરીને આગામી તા.૦૧/૦૧/૨૦૧૯ના રોજ કે તે પહેલા જેઓએ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરી છે કે કરશે, એવા યુવા સમુદાયને મતદાર યાદીમાં પ્રથમવાર નામ નોંધણી કરાવી લઈને મતાધિકાર મેળવવાની તક કદાપિ ન ચૂકવા અનુરોધ કર્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ તા.૧લી સપ્ટેમ્બર, ૨૦૧૮થી ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો અનુસાર શરૂ કરવામાં આવેલી વડોદરા શહેર-જિલ્લાની મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાના સમયપત્રકની માધ્યમોને વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નિર્ધારીત અરજીપત્રકો ભરીને તા.૧૫/૧૦/૨૦૧૮ સુધી મતદાર યાદીમાં નામ નોંધણી, નામ, સરનામા, ફોટોમાં ફેરફાર કે સુધારા, સરનામામાં સુધારા અને લગ્ન કે મરણ સહિતના કારણોસર નામ કમી કરાવવા જેવા કામો કરાવી શકાશે. હાલમાં જે સંકલિત મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની નકલ કલેકટર કચેરી, મહાનગરપાલિકાની વોર્ડ કચેરીઓ, નગરપાલિકા કચેરીઓ, મામલતદાર કચેરીઓ, મતદાર નોંધણી અધિકારી/પ્રાંત અધિકારીની કચેરીઓ અને ગ્રામ પંચાયત કચેરીઓમાં ઉપલબ્ધ છે જેના આધારે નામની ચકાસણી કરી શકાશે.
આગામી સમયમાં ગણેશોત્સવ અને નવરાત્રિ સહિતના મહત્વના તહેવારો આવી રહ્યા છે. તેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્વીપ કાર્યક્રમ હેઠળ ગણેશ પંડાલોમાં ગરબાના મેદાનો પર સ્ટોલ અને પોસ્ટર્સ લગાડીને મતદાર યાદી સુધારણાની કામગીરીથી લોકોને વાકેફ કરવા સૂચના આપી છે.
રાજકીય પક્ષો સાથે બેઠક : જિલ્લા ચૂંટણી અધિકારીએ આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની વિગતવાર જાણકારી આપી હતી તથા લોકો આ કામગીરીનો મહત્તમ લાભ લે અને મતદાર યાદી શક્ય તેટલી સચોટ અને સમાવેશક બને તેમાં સહયોગ આપવા પક્ષોને અનુરોધ કર્યો હતો.

મતદાર યાદીના વાચન માટે ખાસ ગ્રામસભાઓ : જિલ્લા પ્રશાસનને મતદાર યાદીના વાચન માટે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓના બે દોર યોજવાની સૂચના આપી છે જેનું બે દિવસમાં સમયપત્રક તૈયાર કરીને સંબંધિત ગ્રામજનોને તેની જાણકારી કરવામાં આવશે. પ્રથમવાર તા.૧૦/૦૯ થી તા.૧૫/૦૯/૨૦૧૮ સુધીમાં અને તે પછી બીજીવાર તા.૨૪/૦૯ થી તા.૨૯/૦૯/૨૦૧૮ દરમિયાન જે તે ગામોની ગ્રામસભાઓમાં સંબંધિત મતદાર યાદીઓનું લોકો સમક્ષ વાચન કરવામાં આવશે. લોકો નામ દાખલ કરવા, સુધારવા, કમી કરવા જેવા કામો ગ્રામસભાઓમાં કરાવી શકશે.
નામ દાખલ કેવી રીતે કરાવી શકાય : જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રત્યેક મતદાન મથક સાથે સંકળયેલા બુથ લેવલ ઓફિસર – BLOS ની નિમણૂક કરવામાં આવી છે. જે તે ક્ષેત્રના બીએલઓ તેમના કાર્યક્ષેત્રમાં હાઉસ ટુ હાઉસ વીઝીટ કરશે એટલે કે ઘર મુલાકાત લેશે. તેમની મુલાકાત સમયે મતદાર યાદીમાં નામ દાખલ કરવા સહિત તમામ પ્રકારની કાર્યવાહી ફોર્મ ભરીને, દસ્તાવેજી પુરાવા આપીને સરળતાથી ઘેરબેઠા કરાવી શકાશે.
ખાસ રવિવારીય ઝુંબેશ : લોકોને મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારવા જેવી કામગીરીમાં સરળતા રહે એ માટે તા.૧૬/૦૯, તા.૩૦/૦૯ અને તા.૧૪/૧૦/૨૦૧૮ના રવિવારોએ મતદાન મથકો (પદનામીત સ્થળો) એ મતદાર યાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે. આ રવિવારોએ ખાસ ઝુંબેશના ભાગરૂપે સંબંધિત BLOS મતદાન મથકે સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી જરૂરી ફોર્મ્સ સાથે ઉપલબ્ધ રહેશે. લોકો પોતાના મતદાન મથકની મુલાકાત લઈને મતદાર યાદી સુધારણા ને લગતી જરૂરી પ્રક્રિયાઓ કરી શકશે. ઘેર બેઠા ગંગા જેવી આ વ્યવસ્થાનો લાભ લેવો જ રહ્યો. આ ઉપરાંત નામ નોંધણી સહિતની વિવિધ કાર્યવાહી માટે વેબસાઇટ www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકાય છે.
મતદાર યાદીમાં નામના સમાવેશની ચકાસણી સરળ છે : મતદાર યાદીમાં નામ નોંધાયેલુ હોય, છેલ્લી ચૂંટણીમાં મતદાન કર્યું હોય તેમ છતાં, જ્યારે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા થાય ત્યારે મતદારોએ યાદીમાં તેમનું નામ યથાવત જળવાયાની ખાતરી કરી લેવી જોઇએ. આ ચકાસણી ખૂબ જ સરળતાથી થઇ શકે છે. ચકાસણી માટે હેલ્પલાઇન નંબર ૧૯૫૦ નો સંપર્ક કરી શકાય છે. ગુજરાત રાજ્યના કોઇપણ સ્થળેથી ફોન નં. ૮૫૧૧૧૯૯૮૯૯ને epic<space> આપનો મતદાર ઓળખપત્ર નંબર લખેલો SMS પાઠવીને નામના સમાવેશની ચકાસણી કરી શકાય છે. ઉપર જણાવેલી વેબસાઇટની મદદથી પણ આ કામ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે તા.૧૬/૦૫/૨૦૧૮ના રોજ મતદાર યાદીના ડ્રાફ્ટની પ્રસિદ્ધિ પછી, સતત સુધારણા હેઠળ તા.૩૧/૦૭/૨૦૧૮ સુધી દાખલ કરેલા નામોને સમાવી લેતી મૂળ અને પુરવણી મતદાર યાદી તા.૦૧/૦૯/૨૦૧૮ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી સુધારણાની કામગીરીના અંતે જાન્યુઆરી-૨૦૧૯માં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવાનું આયોજન છે. પ્રથમવાર જેમની નામ નોંધણી થશે એવા મતદારોને BLOS વિનામૂલ્યે મતદાર ફોટો ઓળખપત્ર(epic) ઘેરબેઠા પહોંચતું કરશે. પરંતુ સુધારેલું ઓળખપત્ર અથવા જુના ઓખપત્રને બદલે નવું ઓળખપત્ર મેળવવા રૂા. ૩૦/-ની ફી ભરવી પડશે. મતદાર સહાયતા કેન્દ્રો અને અધિકૃત સ્થળોએ જ આ કામ કરાવવું હિતાવહ છે. મતદાર ફોટો ઓળખપત્ર હોય પણ મતદાર યાદીમાં નામ ન હોય તો ચૂંટણીમાં મતદાન કરી શકાતું નથી એ વાત યાદ રાખવા જેવી છે. બેઠકમાં જિલ્લાના નવ નિયુક્ત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અશોક ચૌધરીએ આનુષાંગિક માહિતી આપી હતી.


Share

Related posts

ભરૂચ : ઝઘડીયા નાયબ કલેક્ટરની સરકારી ગાડી અને રાજપારડીનાં પોલીસ કર્મચારીની બાઇક વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

આપ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ સહિત ચાર કાર્યકરોની અટકાયત પંચમહાલ એલસીબી પોલીસે કરી.

ProudOfGujarat

હરિયાણાનાં બહાદુરગઢમાં કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!