Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : નંદેસરીના ઔધોગિક એકમે યોજેલા રકતદાન કેમ્પમાં 1006 યુનિટ રકત એકત્ર થયું.

Share

નંદેસરી જી.આઇ.ડી.સી.માં આવેલા સોડિયમ મેટલ નામક એકમે સરકારી સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર( બ્લડ બેંક) માટે યોજેલા કેમ્પમાં, એક દિવસમાં એક કેમ્પમાં કુલ ૧૦૦૬ યુનિટ રક્તદાન મળ્યું હતું. સાદા શબ્દોમાં કહીએ તો ૧૦૦૬ રક્તદાતાઓ આ શિબિરમાં રક્તદાન કરવા ઉમટ્યા જે જવલ્લેજ બનતી ઘટના ગણી શકાય.સયાજી બ્લડ સેન્ટરના તબીબો અને આરોગ્યકર્મીઓએ દાતાઓ ના શરીરમાંથી રક્ત મેળવવાની કામગીરી અવિરત દશ કલાક સુધી કરી અને રક્તદાતાઓ ની ભીડ પણ છેક છેવટ સુધી રહી.

મેડિકલ કોલેજ,બરોડાના સહ પ્રાધ્યાપક અને IHBT વિભાગના વડા ડો. ફરઝાના કોઠારીએ ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે સોડિયમ મેટલ કંપની દર વર્ષે તેના સ્થાપક નિયામક સ્વ. ધીરુભાઈ કપાસીનો જન્મ દિવસ રક્તદાન કેમ્પ યોજવાની સેવા પ્રવૃત્તિ થી ઉજવે છે આ શિબિર સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળના અને લોહીની જરૂરિયાતવાળા અકિંચન દર્દીઓને મળે તે માટે સયાજી બ્લડ સેન્ટર માટે જ તેનું આયોજન કરે છે.

તેના સ્થાપક નિયામક સદગત ધીરુભાઈની સહૃદયતાને લીધે આખા નંદેસરી વિસ્તારમાં તેમના માટે અનોખી આત્મીયતાનો ભાવ સૌમાં જોવા મળે છે.એટલે આ એકમ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં તેના પોતાના સંચાલકો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અન્ય એકમોના સંચાલક ઉધોગપતિઓ, અધિકારીઓ અને કર્મચારીઓ,આસપાસના ગ્રામજનો બધાં જ હરખભેર રક્તદાન કરવા આવે છે. આ વખતના રક્તદાતાઓમાં નંદેસરી પોલીસ મથકના ગણવેશધારીઓનો પણ સમાવેશ થાય છે. આ રક્તદાન શિબિર દર વર્ષે સેવા અને સમર્પણની એક અદ્ભુત ઘટના બની રહે છે.

Advertisement

સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં એકત્ર થતું લોહી સયાજી અને અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળના અને લોહીની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓ માટે,જે તે ગ્રુપના લોહીની ઉપલબ્ધિને આધીન સાવ નજીવો રાહત દર વસૂલ કરીને આપવામાં આવે છે તેવી જાણકારી આપતાં ડો.ફરઝાનાએ જણાવ્યું કે,૨૦૨૧ ના વર્ષમાં સેવાભાવી અને રક્તદાન ક્ષેત્રમાં પ્રવૃત્ત સંસ્થાઓ/ એકમોના સહયોગ થી ૧૧૧ રક્તદાન શિબિર યોજી શકાઈ જેને ખૂબ સારો અને પ્રોત્સાહક સામાજિક પ્રતિભાવ મળ્યો. તેમાં ૪૪૫૫ યુનિટ રક્તદાન મળ્યું. આ સેન્ટર ખાતે ઘણાં રક્તદાતાઓ સ્વેચ્છાએ આવીને નિયમિત રક્તદાન કરે છે.જ્યારે ઘણીવાર જે ને રક્તની જરૂર છે તેવા દર્દીના તંદુરસ્ત સ્વજનો પણ સામે ચાલીને પોતાની ફરજ સમજીને લોહી આપે છે. બહેનો પણ ખૂબ ઉત્સાહ સાથે આ કેમ્પમાં રક્તદાન કરે છે.

આ સેન્ટરને તેની કામગીરીનો વ્યાપ વધારવા દાતા દ્વારા મોબાઈલ બ્લડ ડોનેશન વાન આપવામાં આવી છે જેની મદદથી તાત્કાલિક રક્તદાન શિબિર યોજી શકાય છે. ગયા વર્ષે તેની મદદથી ચાર કેમ્પ યોજીને ૨૫૨ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આમ,વર્ષ દરમિયાન સેન્ટરને વિવિધ રીતે કુલ ૧૩૨૪૭ યુનિટ જેટલું રક્તદાન મળ્યું જે દર્દીઓની જીવનરક્ષામાં નિર્ણાયક પુરવાર થયું. તેમણે સેવાભાવ સાથે નિયમિત રક્તદાન કરનારા દાતાઓને સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને તેમની આ સેવાઓનો લાભ આપવા વિનંતી કરી છે. યાદ રહે કે આ સેન્ટર દ્વારા કોવિડ કટોકટી દરમિયાન સારવાર હેઠળના કોવિડ દર્દીઓ માટે પ્લાઝમા પૂરું પાડવામાં આવ્યું જેનો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓને લાભ મળ્યો હતો.


Share

Related posts

રાજપીપળા : ગોરા રેન્જમાં આવેલા બરખાડી ગામે જંગલમાં પથ્થરમારો થતાં બે વનકર્મીઓ ઘવાયા.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે, મિરે એસેટ નિફ્ટી 100 લો વોલેટિલિટી 30 ઇટીએફ

ProudOfGujarat

અંકલેશ્વર- ટ્રાફિકની સમસ્યાઓ વાહનચાલકો માટે દિન-પ્રતિદિન માથાનો દુખાવો બની રહી છે, વહેલા તકે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!