। અંકલેશ્વર ।
અંકલેશ્વર-ભરૂચ જૂના નેશનલ હાઇવે નંબર-48 પર ગોલ્ડન ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સ નજીક ટ્રેલરની અડફેટે સાયકલસવાર આધેડનું ગંભીર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પૂરઝડપે અને બેદરકારીપૂર્વક દોડી રહેલા ટ્રેલરે સાયકલસવારને અડફેટે લેતાં તેમને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળાં એકત્ર થયાં હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં મકાન નંબર 256માં રહેતા રામ આગ્યાસિંગ બાબુરામસિંગ (ઉં.વ.52) 22 નવેમ્બરના રોજ બપોરના સમયે સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના જૂના નેશનલ હાઇવે-48 પર ગોલ્ડન ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સ નજીક ટ્રેલર નંબર GJ-16-AW-9726ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રામ આગ્યાસિંગને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં તેમના કુટુંબી ભાઈ નાગેન્દ્રસિંહ સુદામાસિંહ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, ઇજાગ્રસ્તને ગડખોલ સરકારી દવાખાને લઈ જવાયા હોવાનું જાણવા મળતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં રામ આગ્યાસિંગને મૃત હાલતમાં જોયા હતા.
આ બનાવ અંગે નાગેન્દ્રસિંહે અંકલેશ્વર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રેલર નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતના કારણો સહિત વધુ તપાસ હાથ ધરી છે.
