ભરૂચ :
ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચામુંડા મંદિર નજીક આવેલી મંગલદર્શન સોસાયટીમાં રહેતી 41 વર્ષીય અલ્કાબેન અંબાલાલ સોની સાથે ઓનલાઈન ફસાયેલા રૂપિયા પરત અપાવવાની વિધિના બહાને રૂ.15 લાખથી વધુની ઠગાઈ થયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, અલ્કાબેન નેટવર્કિંગનું કામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ-અલગ કંપનીઓમાં તેમના આશરે રૂ.8 લાખ ફસાઈ ગયા હતા. આ અંગે તેમણે સોસાયટીની બાજુમાં રહેતા જ્યોતિષ અને ભુવાપણું કરતા પરેશ જોષીને જાણ કરી હતી. પરેશે રૂપિયા પરત અપાવવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ પરેશનો પુત્ર પાર્થ જોષી અલ્કાબેનના ઘરે અવારનવાર જતો અને ફોન કરી ખબરઅંતર પૂછતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2024ના રોજ પાર્થએ જૂનાગઢના દાદા વિધિ કરતા હોવાનું કહી ચાંદી આપવાથી ફસાયેલા રૂપિયા પરત મળશે તેવી વાત કરી હતી.
આ વાતોમાં આવી ગયેલી અલ્કાબેને 15 ફેબ્રુઆરીથી 1 ઓગસ્ટ દરમિયાન રૂ.11.49 લાખના સોનાના દાગીના તથા રૂ.32 હજારથી વધુના ચાંદીના દાગીના અને સિક્કા આપ્યા હતા. ઉપરાંત, કોર્ટના ભરણપોષણ કેસ અને RTOના કામ માટે પાર્થએ 4 મે થી 4 ઓગસ્ટ દરમિયાન રૂ.3.18 લાખથી વધુની રોકડ ઉછીની લીધી હતી.
રૂપિયા અને દાગીના પરત ન મળતાં અલ્કાબેને પોલીસમાં અરજી કરી હતી. આખરે ફરિયાદ નોંધાવતાં સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
