ભરૂચ :
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2027 અંતર્ગત ભરૂચના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે જિલ્લા કક્ષાની ચેલેન્જ ટ્રેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધાના રાઉન્ડમાં પસંદગી પામેલા યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાંથી જાગૃતિ શિવાનંદ શુક્લા, નતાશા પોલ, આયશા પટેલ, કોનિકા કાર, હર્ષ હિરલભાઈ પટેલ અને અંકિત કુમાર સહિત કુલ છ યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવી છે. આ તમામ પ્રતિભાઓ આગામી ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન આર. ગવલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભકુમાર રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં જ્યુરી અધ્યક્ષ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. જાલંધરા તથા જ્યુરી સભ્યો તરીકે જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ, સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને સીઈઓ નિતિન ટેલર, રૂંગટા વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવાના આચાર્ય પ્રવિણ પટેલે સેવા આપી હતી. રાજ્યકક્ષાએ પસંદ થયેલા છ યુવાનો હવે ભરૂચનું ગૌરવ વધારવા આગળ વધશે.
