વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે.કાકરાપાર-ગોડધા-વડ ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ પાણીથી વંચિત રહી ગયેલા માંગરોળ તાલુકાના ૧૨જેટલા ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦૨.૪૬ કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ઉકાઈ જળાશય આધારિત કાકરાપાર-ગોડધા-વડ ઉદ્વવહન સિંચાઈ યોજના દ્વારા માંડવી અને માંગરોળ તાલુકાના ૮૯ગામોની ૫૦,૧૦૦ એકર જમીનને રૂ.૫૧૧ કરોડના ખર્ચે સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે.શરૂઆતમાં આ યોજનામાં ૪૭૪ રશ (કુંડી) દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન હતું.પરંતુ સ્થળ સ્થિતિ અને ખેડૂતોની જરૂરિયાત ધ્યાને લઈ રૂ.૨૦ કરોડના વધારાના ખર્ચે વધુ ૬૭૬ કુંડીઓ ઉમેરીને કુલ ૧૧૫૦ કુંડીઓ મારફતે છેક ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. જેના કારણે વિસ્તારના ખેડૂતો રવિ અને ઉનાળુ પાક લેતા થયા છે અને તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.
ભૌગોલિક સ્થિતિના કારણે વંચિત રહી ગયેલા ૧૨ગામોને હવે મળશે લાભ
આ યોજના નજીક હોવા છતાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે માંગરોળ તાલુકાના નાનીપારડી, હરસણી(વડસોલ),ટીંબરવા, ભીલવાડા(પાણીઆમલી-મોરઆમલી),કરગરા,ભડકુવા,શાહ, ઝાંઝરડા,માંગરોળ,વકીલપરા (અણોઈ),મોસાલી તથા વસરાવી જેવા ૧૨ગામો સિંચાઈ સુવિધાથી વંચિત રહી ગયા હતા.
આ અંગે સ્થાનિક ખેડૂતો, પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને રજૂઆત કરી હતી. ગણપતસિંહ વસાવાએ ખેડૂતોના હિતમાં સિંચાઈ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સઘન રજૂઆતો કરી હતી, જેના પરિણામે સરકારે રૂ.૧૦૨.૪૬ કરોડની મંજૂરી આપી છે.
૧૫૦થી ૨૦૦કુંડીઓ અને પાઇપલાઇન નેટવર્કનું આયોજન
નવી મંજૂર થયેલી યોજના અંતર્ગત વડ ગામ ખાતે ઇન્ટેક સમ્પ સ્ટ્રક્ચર બનાવીને પાઇપલાઇન નેટવર્ક અને પમ્પિંગ દ્વારા ૧૨ગામોની આશરે ૫૪૦૦ એકર જમીનને પાણી પહોંચાડવામાં આવશે.આ માટે ૧૫૦થી૨૦૦જેટલી નવી કુંડીઓ તૈયાર કરવાનું આયોજન છે.
આ સુવિધા ઉપલબ્ધ થવાથી ઓછાં વરસાદના સમયે પણ ખેડૂતો ડાંગર,શેરડી,શાકભાજી જેવા મુખ્ય પાકો તેમજ અન્ય રવિ અને ઉનાળુ પાકો સરળતાથી લઈ શકશે.યોજનાની મંજૂરી મળતાં જ ૧૨ ગામોના ગ્રામજનો અને ખેડૂતોએ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
