ભરૂચ : “સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬” અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આગામી તા. ૦૭મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારુ અને સફળ સંચાલન માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ મેરેથોન બેઠક યોજાઈ હતી.
કાર્યક્રમની રૂપરેખા અને સમયપત્રક
-
સવારે ૮:૪૫ કલાક: કાર્યક્રમમાં ભાગ લેનાર મહાનુભાવો અને નાગરિકો દ્વારા નિર્ધારિત સ્થળે ઉપસ્થિતિ તથા વિધાનસભા વાઇઝ બેઠક વ્યવસ્થા.
Advertisement -
સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
-
આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન યોજાશે અને ઉપસ્થિત સૌ કોઈને “વિકસિત ભારત @૨૦૪૭” અંગેનો સમૂહ સંકલ્પ લેવડાવવામાં આવશે.
-
મહાનુભાવોના હસ્તે ‘સેવા જ્યોતિ’ (વિકાસ જ્યોતિ) પ્રજ્વલિત કરી, રાષ્ટ્રગાન બાદ ત્રણેય યાત્રાઓને પ્રસ્થાન કરાવવામાં આવશે.
ત્રણ અલગ-અલગ રૂટ પર યોજાશે યાત્રા
દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી નીકળનારી આ વિશાળ યાત્રા માટે તંત્ર દ્વારા ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે: ૧. પ્રથમ રૂટ: દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી રિધમ પાર્ટી પ્લોટ સુધી (ઝઘડિયા-૧૫૨ અને અંકલેશ્વર-૧૫૪ વિધાનસભા). ૨. દ્વિતીય રૂટ: દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી મંગલમ પાર્ટી પ્લોટ સુધી (જંબુસર-૧૫૦ અને વાગરા-૧૫૧ વિધાનસભા). ૩. તૃતીય રૂટ: દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી જે.પી. કોલેજ ગ્રાઉન્ડ સુધી (ભરૂચ-૧૫૩ વિધાનસભા).
તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ અને સૂચનાઓ
બેઠકમાં કલેક્ટર દ્વારા કાયદો અને વ્યવસ્થા, પબ્લિક મોબિલાઈઝેશન, પાર્કિંગ, ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતની તમામ આનુષંગિક બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ ભવ્ય યાત્રામાં પ્રબુદ્ધ નાગરિકો, પદ્મ એવોર્ડ વિજેતાઓ, રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતાઓ, સામાજિક આગેવાનો, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓ, છેલ્લા ૨૫ વર્ષના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, યોગ બોર્ડ તેમજ એન.જી.ઓ.ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવશે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા અધિક કલેક્ટર આર.બી. ભોગાયતા સહિતના જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
