ભરૂચ :
વલસાડથી ભરૂચ રેલવે મારફતે વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ભરૂચ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. અવંતિકા એક્સપ્રેસમાં ટ્રોલીબેગમાં દારૂની ખેપ લઈને આવેલા ચાર શખ્સો તથા રિક્ષામાં માલ લેવા આવેલા ત્રણ શખ્સો મળી કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે વલસાડની મહિલા બુટલેગર રૂબિના સરફરાજ શેખ સહિત 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
પોલીસને બાતમી મળતાં પ્લેટફોર્મ નં.3 પર વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રિના દોઢ વાગ્યે ટ્રેન આવતા પોલીસે નવાઝ શરીફ મુબારક શેખ, ઈમ્તિયાઝ ગુલામ શેખ, અબરાર ઝાકીર ખટીક અને દિપક છંદાલાલ સોનકરને ટ્રોલીબેગ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ રેલવેના પશ્ચિમ ગેટ તરફથી આવેલી રિક્ષામાંથી તેજીબ સરફરાજ સૈયદ, નવસાદ શબ્બીર મલીક અને જાવીદ સાદીક શેખને ઝડપી લેવાયા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વલસાડની રૂબિના શેખના કહેવાથી ટ્રેન મારફતે દારૂ ભરૂચ લાવતા અને અહીંથી અલગ-અલગ બુટલેગરો સુધી પહોંચાડતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે રૂ.4.68 લાખનો વિદેશી દારૂ, રૂ.44 હજાર રોકડા, 7 મોબાઇલ અને રિક્ષા મળી કુલ રૂ.5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે રૂબિના શેખ ઉપરાંત અભિષેક ઉર્ફે અભી ભરત કહાર, નિલેશ મિસ્ત્રી, રમજાન શેખ, દક્ષ વસાવા, વિશાલ ઓટ ફાટલો, દક્ષા દિનેશ પાટણવાડિયા, મુકેશ સોલંકી અને જયેશ ટંડેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
