97.17 ટકા સાથે 99.90 પર્સેન્ટાઇલ હાંસલ, ચાર વિષયોમાં મેળવ્યા 100માંથી 100 ગુણ
વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રહેતા શિક્ષક દંપતીની પુત્રી ચૌધરી શ્વેતલકુમારી ધનસુખભાઈએ ધોરણ-10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવાર તેમજ ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે.
શ્વેતલકુમારીએ પરીક્ષામાં 97.17 ટકા સાથે 99.90 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરી શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી. સાથે જ તેણે ભાવદર્શન વિદ્યાલયમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ પણ રોશન કર્યું છે.
તેમના પિતા ધનસુખભાઈ ચૌધરી ઉમરપાડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા ઇલાબેન નિકોલી ગામે શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. શિક્ષણપ્રેમી પરિવારમાંથી આવતી શ્વેતલકુમારીએ મહેનત અને લગનથી આ સફળતા મેળવી છે.
વિશેષ વાત એ છે કે શ્વેતલકુમારીએ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા ચાર વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.
તેમની આ નોંધપાત્ર સફળતા બદલ ચૌધરી સમાજના આગેવાનો, શિક્ષણપ્રેમીઓ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
