ઈન્સ્ટાગ્રામ અને ઓનલાઇન ગેમના કારણે પરિવાર સાથે ઝઘડા કરી ઘર છોડીને જતી કિશોરીને સમજાવી પરિવાર સાથે સુખદ સમાધાન કરાવાયું
ભરૂચ.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાંથી એક પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરી પોતાની 16 વર્ષની દીકરી અંગે મદદ માગી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઓનલાઇન ગેમ અને ઈન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગના કારણે પરિવારની વાત માનતી નહોતી તેમજ વારંવાર પરિવાર સાથે ઝઘડા કરી ઘર છોડીને નીકળી જતી હતી. દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હોવાથી કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હતી.
પીડિતાના નિવેદન મુજબ કિશોરી હાલ ધોરણ-10માં અભ્યાસ કરે છે. છતાં તે રાત્રિના સમયે લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હતી તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હતી. પરિવાર દ્વારા વારંવાર સમજાવ્યા છતાં કિશોરી માતા-પિતાની વાત અવગણી ઝઘડા કરતી અને ઘર છોડીને જતી રહેતી હતી.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે દીકરીના વર્તનમાં સુધારો આવે તે હેતુથી તેને ગામડે સાસુ-સસરા પાસે અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ સ્કૂલે જવાના બહાને યુવક મિત્રો સાથે ફરવા જતી હોવાનું બહાર આવ્યું હતું. શાળાના શિક્ષક દ્વારા સંપર્ક કરવામાં આવતા હકીકત સામે આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે પરિવાર સતત ભય અને તણાવની સ્થિતિમાં જીવતો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરીનું વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કિશોરીને સમજાવવામાં આવ્યું કે કિશોરાવસ્થા જીવનનો અત્યંત સંવેદનશીલ અને ભવિષ્ય નિર્માણનો સમયગાળો છે. આ ઉંમરે અભ્યાસ, કારકિર્દી નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે.
ટીમ દ્વારા વધુમાં સમજાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમનું અતિશય વ્યસન બાળકો અને કિશોરોમાં માનસિક ચિડચિડાપણું, ગુસ્સો, એકલતા, ઊંઘમાં ઘટાડો, અભ્યાસ પ્રત્યે બેદરકારી, પરિવારથી દુરાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે. ઘણા ઓનલાઈન ગેમમાં અજાણ્યા લોકો સાથે સંપર્ક થતો હોવાથી સાયબર ક્રાઈમ, બ્લેકમેઇલિંગ, ઓનલાઈન છેતરપિંડી, ખોટી મિત્રતા તેમજ વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. સતત મોબાઈલ અને ગેમમાં વ્યસ્ત રહેવાના કારણે બાળકોમાં એકાગ્રતામાં ઘટાડો, પરીક્ષામાં નબળું પરિણામ અને સામાજિક વર્તનમાં નકારાત્મક ફેરફાર પણ જોવા મળે છે.
કિશોરીને કાયદાકીય રીતે પણ માહિતગાર કરવામાં આવી હતી કે સગીર વયે અજાણ્યા લોકો સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક રાખવો, વ્યક્તિગત માહિતી શેર કરવી અથવા ખોટી ઓળખ બનાવી ઓનલાઈન પ્રવૃત્તિ કરવી ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે. સાથે જ માતા-પિતાની સંમતિ વિના ઘર છોડીને જવું અથવા જોખમી સંપર્કોમાં આવવું તેની વ્યક્તિગત સુરક્ષા માટે હાનિકારક બની શકે છે.
કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીને અભ્યાસના મહત્વ અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી કે હાલનો સમય બોર્ડની પરીક્ષાની તૈયારી, આત્મવિશ્વાસ વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સમય છે. જો આ ઉંમરે સમયનો દુરુપયોગ થશે તો તેનો સીધો પ્રભાવ ભણતર, કારકિર્દી અને સમગ્ર જીવન પર પડી શકે છે.
સમજાવટ બાદ કિશોરીએ પોતાની તમામ સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરી હતી તેમજ હવે પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરશે, માતા-પિતાની વાત માની અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે અને ખોટા સંપર્કોથી દૂર રહેશે તે અંગે લેખિતમાં બાંહેધરી આપી હતી.
પરિવારમાં સુખદ સમાધાન થતાં પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
