સાગબારા તાલુકાના આદિવાસી ખેડૂતોના Forest Rights Act, 2006 (FRA) હેઠળના દાવાઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં 11 સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. Special Civil Application No. 8312 of 2019 સહિત સંબંધિત અરજીઓમાં ખેડૂત અરજદારો તરફથી વકીલ આનંદ યાજ્ઞીક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
સાગબારા પંથકના આદિવાસી દાવેદારોએ વન અધિકારના દાવાઓ અંગે કરવામાં આવેલી કાર્યવાહી તેમજ દાવાઓના નિરાકરણની પ્રક્રિયાને કોર્ટ સમક્ષ પડકારી છે. 11 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી affidavit-in-reply રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા સમય આપતાં હવે મામલો આગામી 5 ઓક્ટોબર, 2026ના રોજ સુનાવણી માટે મુકાયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી વન વિભાગે ખેડૂતો સામે એવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં કે જેનાથી તેમના વન અધિકારના દાવાઓ અને હિતોને અસર થાય.
તેમણે વધુમાં જણાવ્યું કે, સાગબારા અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી જંગલની જમીન પર પરંપરાગત ખેતી અને વસવાટ કરતા આદિવાસી પરિવારોના FRA દાવાઓનો કાયદેસર, પારદર્શક અને સમયબદ્ધ નિકાલ થવો જરૂરી છે. દાવેદારોને પોતાના પુરાવા રજૂ કરવાની યોગ્ય તક પણ મળવી જોઈએ.
અગાઉ ખેડૂતોના હિતમાં થયેલી રજૂઆતો, અનશન બાદ પારણા સમયે થયેલા સમાધાનના 14 મુદ્દા તેમજ પેન્ડિંગ FRA દાવાઓના નિકાલ અંગે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીનો ઉલ્લેખ કરી સંદીપ માંગરોલાએ સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોને સંવેદનશીલ અને કાયદેસર અભિગમ અપનાવવાની અપીલ કરી છે.
હવે 5 ઓક્ટોબરની સુનાવણી પર રાજ્ય સરકારનો જવાબ શું આવે છે અને હાઇકોર્ટ આગળની કાર્યવાહી અંગે શું નિર્ણય લે છે તેના પર સાગબારાના આદિવાસી ખેડૂતોની નજર મંડાઈ છે.
