ભરૂચ :
નાલસા દ્વારા આદેશિત તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિત જિલ્લાના વિવિધ ન્યાયાલયોમાં વર્ષ ૨૦૨૬ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધિશ તથા ડીએલએસએના ચેરમેન જે. આર. શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ ઈ. એમ. શેખ, જજ વી. આર. રાજપૂત, ડીએલએસએ સેક્રેટરી પી. પી. મોકાશી, જજ બી. એસ. ગઢવી સહિતના ન્યાયાધિશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરા લીગલ વોલેન્ટીયર્સ, પેનલ એડ્વોકેટ્સ તથા પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિ-લિટિગેશનના કેસો તેમજ કોર્ટમાં પેન્ડિંગ કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જેમાં વીજ કંપની તથા બેન્ક સંબંધિત કેસો, મોટર અકસ્માત વળતરના દાવા, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાનપાત્ર ફોજદારી કેસો, દેવાના દાવા, પાર્ટીશન સ્યુટ તેમજ અન્ય સમાધાનપાત્ર તકરારી કેસોનો સમાવેશ થયો હતો.
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે પણ લોક અદાલત યોજાઈ હતી. લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને ઝડપી અને સરળતાથી સમાધાન મેળવવાની તક મળી હતી.
