ભરૂચ :
આમોદના મોટા તળાવ વાડી ફળિયા વિસ્તારમાં રહેતી અંજલીબેન રાવળ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા શખ્સોએ ઘરે બેઠા પાર્ટ-ટાઈમ જોબ અને રોજના ₹5થી ₹8 હજાર કમાવાની લાલચ આપી મહિલાના ખાતામાંથી કુલ રૂ. 1.40 લાખ પડાવી લીધા હતા.
મળતી માહિતી મુજબ, ગત 9 સપ્ટેમ્બરના રોજ અંજલીબેનના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમાં ‘મેઘા લિમિટેડ’માં ઘરે બેઠા પાર્ટ-ટાઈમ માર્કેટિંગ સર્વિસની ઓફર આપી રોજના 5થી રૂ. 8 હજાર કમાવાની લાલચ આપવામાં આવી હતી.
શરૂઆતમાં આરોપીઓએ મહિલાને હોટલ રિવ્યુના ટાસ્ક આપ્યા હતા. ટાસ્ક પૂર્ણ કર્યા બાદ તેમના ખાતામાં રૂ.180 અને રૂ. 380 જમા કરાવી આરોપીઓએ વિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ 10 સપ્ટેમ્બરે મહિલાને ટેલિગ્રામ આઈડી મારફતે અલગ-અલગ લિંક્સ મોકલી ગ્રૂપમાં એડ કરવામાં આવી હતી. ત્યારબાદ મોટા ટાસ્ક આપી વધુ કમિશનની લાલચ આપવામાં આવી હતી.
આ દરમિયાન ટાસ્કમાં ભૂલ થઈ હોવાનું તેમજ શેર માર્કેટ એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોવાનું જણાવી તેને અનબ્લોક કરવાના બહાને આરોપીઓએ મહિલાની પાસેથી યુપીઆઈ આઈડી અને બેંક એકાઉન્ટ મારફતે કુલ રૂ. 1.40 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
રકમ ટ્રાન્સફર કર્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું અંજલીબેનને જણાતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
