આર.બી.એસ.કે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા અંકલેશ્વરના દોઢ વર્ષના માસૂમ બાળકની જન્મજાત હૃદયની ખામી માટે બની આશીર્વાદરૂપ
આ યોજના અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર સાથે આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે
ભરૂચ
બાળકનો ખિલખિલાટ એટલે જ કોઈપણ પરિવારનું સાચું સુખ. દરેક પરિવાર બાળકોના ભવિષ્યને લઈને અનેક સપનાઓ સેવતા હોય છે. જયારે બાળક તંદુરસ્ત હોય ત્યારે અનેક ગણી ખુશીઓ પરિવારમાં છવાઈ જાય. પરંતુ જો બાળક કોઇ બિમારી કે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને તો પરિવાર પર જાણે અંધારાના વાદળો ઘેરાઇ જતા હોય છે. ત્યારે આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કેમ થાય, તે માટે સતત પ્રયત્નશીલ રહી છે.
રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” હેઠળ ઘેર-ઘેર જઈને દરેક બાળકની આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમના પરિણામે અનેક નાદુરસ્ત બાળકોને નવજીવન મળ્યું છે, અનેક ઘરોમાં ફરીથી તેમના લાડકવાયા બાળકોનો ખિલખિલાટ પુન:ગુંજતો થયો છે ફરી આનંદનો માહોલ છવાયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જિતાલી ગામમાં રહી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા વિકાસ તુરીના ઘરે લવનો જન્મ થયો હતો. બાળક વધુ પડતું બિમાર રહેતા તેમણે તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર ખાતે તપાસ કરાવી. તપાસ બાદ મેડિકલ ઓફિસર દ્વારા બાળકીને હ્રદયની બીમારી હોવાની શંકા જતા તેમણે વધુ રિપોર્ટ માટે નજીકની હોસ્પિટલ જવા જણાયું હતું. બાદમાં આર.બીએસ.કે ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું કે,તમારી છોકરાને હર્દયની તકલીફ છે. બાળકને હાર્ટ સર્જરીની કરાવવી પડશે એવું જણાવતા લવના માતા-પિતા પર આભ તુટી પડ્યું ! આટલા નાના કુમળા બાળકને સર્જરી કરાવવાની પીડા સાથે સર્જરીના ખર્ચને કંઇ રીતે પહોંચી વળાશે તે વિચારથી પરિવાર ઘેરી ચિંતામાં મુકાઇ ગયો હતો.
આર્થિક પરિસ્થિતિની સાથે સાથે પ્રેમવશ બાળકને કશુંક થઈ જશે તે ભયથી સર્જરી કરાવવી કે નહીં તે માટે પણ દપંતિના મનમાં અવઢવ હતી. ત્યારે ખરા સમયે જ પરિવારને સધિયારો આપતાં આર.બી.એસ.કે.ની ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” વિષે જણાવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ બાળકની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે તેમજ ઓપરેશન બાદ પણ નિયમિત ફોલોઅપ લેવાશે તેમ જણાવતા લવના માતા-પિતાને હાશકારો થયો અને આખરે તેઓ સારવાર લેવા સહમત થયા હતાં. અને બાળકના વાલીને 2D ECHO કરવા માટે સંદર્ભ કાર્ડ ભરીને “શ્રી સત્યસાઈ હોસ્પિટલ, અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.બાદમાં ત્યાં બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પિતા વિકાસ તૂરીએ જણાવ્યું હતું કે, આર.બી.એસ.કે ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ કઢાવી વધુ સારવાર માટે શ્રી સત્યસાઈ હોસ્પિટલ – અમદાવાદ ગયા હતા. જ્યાં બાળકને હ્રદયની ખામી હોવાનું ચોક્કસ નિદાન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા હતા. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ પણ ખિસ્સામાંથી કરવો પડ્યો ન હતો. સફળ હ્રદયના ઓપરેશન બાદ અંદાજિત એક વર્ષના સમય બાદ લવ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. આ સારવારથી સંતોષ અનુભવીને તૂરી પરિવાર આનંદ અનુભવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુ ને વધુ બાળકોને લાભ મળે અને બાળકો તંદુરસ્ત રહે, સમયાંતરે મીટીંગો યોજી કાર્યક્રમનું આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે. સરકાર દ્વારા આ કાર્યક્રમ થકી આવી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.
