ભરૂચ:
ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં માર્ગો પર પાણી ફરી વળતાં તેમજ કોઝવે ઓવરટોપિંગ અને કેટલાક સ્થળે માર્ગને નુકસાન પહોંચતાં જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કુલ 15 રસ્તાઓ વાહનવ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે નેત્રંગ પંથકમાં માત્ર 10 કલાકમાં સાડાદશ ઇંચ વરસાદ વરસતા અનેક ગ્રામ્ય અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં પણ આશરે ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાતા નુકસાનની આશંકા વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે.
માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગે વાલિયા તાલુકાના વાલિયા–વાડી રોડ અને વાલિયા–ભમાડિયા રોડ, તેમજ ઝઘડિયા તાલુકાના અવિધા–સિમધરા રોડ અને મહુવાડા એપ્રોચ રોડ સહિત કુલ ચાર રસ્તાઓ બંધ કર્યા છે.
જ્યારે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાલિયા તાલુકાના પેટીયા–ગુંદીયા રોડ, સેવડ–દોલતપુર રોડ, ભરાડિયા–પાતલ રોડ, શીનાડા એપ્રોચ રોડ, કોયલીવાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ, પઠાર વસાવા ફળિયા–પઠાર ઝોકલા રોડ અને વાલિયા–તૃણા રોડ સહિતના માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
નેત્રંગ તાલુકામાં ગુંદીયા–ચીખલી–કામલિયા–ઝરાણા–કબીરગામ રોડ, મોટા જાંબુડા–ગાળદા રોડ તથા લાલમંટોડી–ઝરાણા–શણકોઈ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ પૈકી ગુંદીયા–ચીખલી–કામલિયા–ઝરાણા–કબીરગામ માર્ગ માટે પેટીયા–કવાચીયા રોડ અને લાલમંટોડી–ઝરાણા માર્ગ માટે કાંટીપાડા–ટીમલા રોડ વૈકલ્પિક માર્ગ તરીકે સૂચવવામાં આવ્યો છે.
ઝઘડિયા તાલુકામાં રાજપારડી–ભાલોદ રોડ અને માલજીપુરા એપ્રોચ રોડ પણ બંધ કરવામાં આવ્યા છે.
બંધ કરાયેલા તમામ રસ્તાઓ પર વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર અટકાવવા માટે સાઇનબોર્ડ અને બેરિકેટ્સ મૂકવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
જોખમી માર્ગો પર મુસાફરી ન કરવા અપીલ જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે 15 રસ્તા બંધ હોવા છતાં કોઈપણ ગામ સંપર્કવિહોણું બન્યું નથી. વરસાદને કારણે જોખમી બનેલા માર્ગો પર મુસાફરી ન કરવા તેમજ માત્ર તંત્ર દ્વારા સૂચવાયેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા ગ્રામજનો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.
