ભરૂચ: જિલ્લામાં ભારે વરસાદ, પવન અને પૂર જેવી સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સગર્ભા માતાઓને સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. સંભવિત આપત્તિ દરમિયાન આરોગ્ય સંબંધિત સેવાઓ સમયસર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સંભવિત પૂર અસરગ્રસ્ત મગણાદ, મહાપુરા અને કુંઢળ ગામોમાં RBSK ટીમ દ્વારા આગામી એક સપ્તાહમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી સગર્ભા મહિલાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓએ ઘરે-ઘરે જઈ સગર્ભા માતાઓને ચોમાસાની પરિસ્થિતિમાં રાખવાની તકેદારી, જરૂરી દવાઓ સાથે રાખવાની સૂચનાઓ તેમજ પ્રસૂતિ માટે અગાઉથી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને સરકારી હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવવા અંગે પણ આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન અફવાઓથી દૂર રહી માત્ર જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓનો સંપર્ક કરવો.
