ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસીએશન દ્વારા કલેકટરને રજુઆત કરાઈ
। ભરૂચ ।
ઝાડેશ્વરથી તવરા જતા રોડ ઉપર ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને વેગવંતી કરવા માટે જિલ્લા સમાહર્તા દ્વારા તાજેતરમાં જાહેરનામા બહાર પાડી ઝાડેશ્વર તવરા રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે કંપનીની બસો તેમજ અન્ય વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરવા લાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
ઝાડેશ્વરથી તવરાનો રોડ કરોડોના ખર્ચે ફોર લેન બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. રોડની કામગીરી વધુ ઝડપી થાય તે માટે તંત્ર દ્વારા આગામી બે મહિના માટે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને કંપનીની બસો તેમજ અન્ય વાહનોને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લા ટ્રાવેલર્સ એસોસીએશન દ્વારા કલેકટરને મળીને આ મામલામાં ખાસ રજુઆત કરવામાં આવી છે. આ રસ્તાની કામગીરી માટે બે મહિના સુધી વન-વે કરી દેવાતા ટ્રાવેલર્સ તેમજ અન્ય વાહન ચાલકોને રોજના ઈપણનો લાખોનો વધારાનો ખર્ચ વેઠવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત ડાયવર્ઝનમાં અપાયેલા ખરાબ રસ્તાના કારણે બસ પલ્ટી મારી જાય અને જાન-માલને નુકશાન થાય તેવી શકયતાઓ પણ તે લોકોએ વ્યકત કરી હતી. આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા તેમજ રાહત માટે યોગ્ય રસ્તો કરી આપવાની માંગ સાથે ટ્રાવેલર્સ એસોસીએશનના પ્રમુખ રાજેશ ગઢવી, ઉપપ્રમુખ સલીમ શેખ, સેક્રેટરી જમાદાર તેમજ કેતન રાણા સહિતનાઓએ કલેક્ટરને આવેદન આપી રજુઆત કરી હતી.
