Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈદના દિવસે પણ પેપર ચેકિંગ ફરજિયાત: ભરૂચના મુસ્લિમ શિક્ષકોમાં ઉગ્ર રોષ

Share

ધાર્મિક તહેવારે રજા ન મળતા શિક્ષક આલમમાં અસંતોષ, બોર્ડ સામે રજૂઆત છતાં કાર્યવાહી નહીં
ભરૂચ :
ભરૂચ જિલ્લામાં મુસ્લિમ શિક્ષકો પાસે ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર દિવસે પણ બોર્ડના પેપર ચેકિંગની કામગીરી લેવાતા શિક્ષક આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુસ્લિમ સમાજના મહત્વના તહેવાર દરમિયાન પણ ફરજિયાત હાજરી માટેના નિર્દેશોને લઈને શિક્ષકોમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ તા. 19 માર્ચથી રાજ્યભરમાં પેપર મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ઈદના દિવસે મુસ્લિમ શિક્ષકોને રજા કે છૂટછાટ ન અપાતા વિવાદ સર્જાયો છે.
મુસ્લિમ શિક્ષકોનું કહેવું છે કે ઈદ-ઉલ-ફિત્ર તેમનો સૌથી પવિત્ર અને આનંદનો તહેવાર છે, જેમાં નમાજ અદા કરી પરિવાર અને સગા-સંબંધીઓ સાથે ખુશીઓ વહેંચવાની પરંપરા છે. તેમ છતાં બોર્ડ દ્વારા મૂલ્યાંકન કેન્દ્રો ચાલુ રાખીને ફરજિયાત હાજરી માટે કહેવામાં આવતા તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.
કેટલાક શિક્ષકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અન્ય ધાર્મિક તહેવારોમાં સામાન્ય રીતે રજા કે વૈકલ્પિક છૂટછાટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ઈદ જેવા મહત્વના તહેવારે પણ કોઈ રાહત આપવામાં આવી નથી, જેનાથી શિક્ષકોમાં ઘેરો અસંતોષ છે.
આ મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈએ જણાવ્યું હતું કે લેખિતમાં રજૂઆત તથા રાજ્ય સ્તરે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, છતાં બોર્ડ દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
શિક્ષકોનું માનવું છે કે પેપર મૂલ્યાંકન મહત્વપૂર્ણ કામગીરી છે, પરંતુ સાથે સાથે ધાર્મિક તહેવારોની ઉજવણી પણ દરેકનો મૂળભૂત અધિકાર છે. જો આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો મુસ્લિમ શિક્ષકો દ્વારા શિક્ષક સંઘમાંથી સામૂહિક રાજીનામાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે.
આ મુદ્દે રાજ્ય શિક્ષણ તંત્રના જવાબદાર અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી. હાલ સમગ્ર મામલે શિક્ષણ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

Share

Related posts

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે.

ProudOfGujarat

સુરત-વિજાપુરમાં ર, કપરાડામાં દોઢ ઇંચ ગુજરાતના ૯૦ તાલુકાઓમાં ઝરમર અને ઝાપટાનો વરસાદ

ProudOfGujarat

નડીઆદ : મહિલા કોલેજની બહેનોને આર્મી એટચમેન્ટ કેમ્પમાં સ્પેશયલ ટ્રેનીગ માટે પસંદ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!