વાંકલ: સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર અને મતદાતા જાગૃતિ વધારવાના હેતુસર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ અને મતદાનના મહત્વ અંગે પ્રેરણા પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ આયોજન અંતર્ગત વિવિધ સ્થળોએ ૧૦ x ૧૫ ફૂટના વિશાળ કદના ચૂંટણી જાગૃતિ આધારિત રંગોળી ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરી ખાતે હિલ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ દર્શાવતું સુંદર રંગોળી ચિત્ર બનાવ્યું હતું. તે જ રીતે, જિલ્લા સેવા સદન-૨ વિંગ ખાતે ધી માંડવી સ્કૂલના વિદ્યાર્થીઓએ આકર્ષક રંગોળી તૈયાર કરી હતી.
સુરત જિલ્લા પંચાયત બિલ્ડીંગ ખાતે સંસ્કાર ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષયક અનોખું અને અસરકારક રંગોળી ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ તમામ રંગોળીઓ વિદ્યાર્થીઓએ સ્વયં તૈયાર કરી, તેમની સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ પ્રગટ કર્યું હતું.
રંગોળી ચિત્રોમાં “મતદાન કરવું એ ફરજ છે” અને “જાગૃત મતદાર – મજબૂત લોકશાહી” જેવા સંદેશાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માનનીય કલેક્ટરશ્રીએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી તેમની સર્જનાત્મકતા અને જાગૃતિ પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી.
જિલ્લાની તમામ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવા પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતામાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.
