ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ચૂૂંટણીના મેન્ડેડ મુદ્દે કોંગ્રેસમા સર્જાયેલો વિવાદ ભારે ચર્ચામાં રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ વોર્ડ નંબર બેમાં વર્ષોથી કોર્પોરેટર તરીકે ચૂંટાતાં સમસાદ અલી સૈયદનું નામ કાપી કુતબુદ્દીન ટેલરને મેન્ડેડ આપ્યાં હતાં. દરમિયાનમાં સમસાદ અલી સૈયદે પ્રદેશમાંથી પોતાના નામના મેન્ડેડ લાવી ફોર્મ ભર્યું હતું. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, ગઇકાલે ચૂંટણી વિભાગે સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના જ ફોર્મ માન્ય રાખતાં ત્રણ દિવસથી ચાલતાં હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. જોકે, તે બાદ કોંગ્રેસમાં એકબીજા પર ચોકાવનારા આક્ષેપોનો દોર શરૂ થયો હતો.
જેમાં સમસાદ અલી સૈયદ આક્ષેપ કર્યાં હતાં કે, આક્ષેપ મુજબ પ્રદેશ મોવડી મંડળના નેતૃત્વમાં જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા-તાલુકા પ્રભારીઓની હાજરીમાં જે ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવ્યા હતા, તેમાં શહેર પ્રમુખે પોતાની મનમાનીથી ફેરફાર કર્યા હતા. કહેવામાં આવે છે કે કેટલાક ઉમેદવારોને નક્કી થયેલ મેન્ડેટ આપવામાં આવ્યા નથી અને તેના બદલે અન્ય લોકોને તક આપવામાં આવી છે. વિશેષ કરીને કુતબુદીન ટેલરને કઈ સીટ પરથી લડાવવાનું પૂર્વનક્કી હોવા છતાં તેમને વોર્ડ નંબર 2માંથી ઉમેદવાર બનાવાતા કાર્યકરોમાં મનભેદ અને મતભેદ ઊભા થયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી સમગ્ર કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદ સર્જાયો છે અને પક્ષને નુકસાન પહોંચાડાયું છે. આ પરિસ્થિતિમાં શહેર પ્રમુખે પોતાના પદની જવાબદારી સ્વીકારી સ્વૈચ્છિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ સાથે જિલ્લા પ્રભારી મનહર પટેલે પણ આવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા જોતા પોતાનું પદ છોડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ મામલે કોંગ્રેસના કાર્યકર કુતબુદ્દીને સોશિયલ મીડિયા પર લાઈવ આવી પોતાની નારાજગી જાહેર કરતાં ગંભીર આક્ષેપો કર્યા હતાં. કુતબુદ્દીનએ જણાવ્યું હતું કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે અને ઉમેદવારી મામલે ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત અન્ય નેતાઓ પર સોદાબાજીના ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ દ્વારા માઇનોરિટી સમાજ સાથે ગદારી કરવામાં આવી છે. સાથે જ ડૉ. ઈરફાન, બરોડાના મુબારક પટેલ અને ઈરફાન શઠોડ જેવા નામો પણ આ સમગ્ર મામલે સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. કુતબુદ્દીને રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “સમાજના દોગલા લોકો એસી ઓફિસમાં બેસીને રાજકારણ કરે છે” અને આવા લોકોના કારણે જ કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.
સમગ્ર પ્રકરણને લઇને રાજેન્દ્ર સિહ રણાએ જણાવ્યું હતુું કે, નગરપાલિકાના ઉમેદવારો અંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી જ યોગ્ય જવાબ આપી શકે, હું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટની કામગીરીમાં હતો. વોર્ડ નંબર-2માં વિવાદ હતો. જોકે, તેનું નિરાકરણ આવી ગયું છે. દુભાયેલાં ઉમેદવારે રૂપિયા લઇને ટિકિટ આપ્યાનો જે આક્ષપ કર્યો છે તે અંગે પુછતાં આવેશમાં આવીને તેમના દ્વારા ખોટા આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ કોંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે અને તેનું સુખ:દ નિરાકરણ લાવીશું તેમ તેમણે ઉમેર્યું હતું.
શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ પોતાનો ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, તેમણે પ્રદેશમાંથી જે પ્રમાણે મેન્ડેડ મળ્યાં હતાં. તે રીતે જ મેન્ડેડ આપ્યાં છે. કુતબુદ્દીન ટેલરને વોર્ડ નં. 1માંથી ટિકિટ માટેની ચર્ચા કરાઇ હતી. જોકે, તેમને વોર્ડ નં. 2ના મેન્ડેડ મળ્યાં હતાં. સમસાદ અલી સૈયદ કે હેમેન્દ્ર કોઠીવાલા સાથે કોઇ અંગત સમસ્યા નથી. પ્રદેશમાંથી જ તેમના નામ કપાયાં હતાં. બાદમાં તેમણે જે રીતે મેન્ડેડ લઇ આવ્યાં છે તે અંગે તપાસની માગ કરી છે. જોકે, હાલમાં પક્ષને જીતાડવાના ધ્યેય સાથે ચાલી રહ્યાં છે. સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને પણ અમે તમામ પ્રકારની મદદ કરીશું
