નશાના કારોબારીઓ સામે અવાજ ઉઠાવતા પત્રકારને ધમકીઓ; PIની ભૂમિકા પર પણ સવાલ
ભરૂચ.
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં પત્રકાર પર થયેલા હુમલા અને ત્યારબાદ પોલીસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત પોલીસના ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના દાવાઓ વચ્ચે કડોદરા પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગાંજાના કાળા કારોબારનો વીડિયો બનાવી પોલીસને સોંપનાર પત્રકારને જ અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો. પત્રકારની ઓફિસ અને ગેરેજ પર ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાના અનેક દિવસો વીતી જવા છતાં પોલીસ તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં પત્રકાર વર્તુળોમાં રોષ ફેલાયો છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કડોદરા પોલીસ સ્ટેશનના PI દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ન થતાં “પોલીસના આશીર્વાદથી જ ગુનેગારો બેફામ બન્યા છે?” તેવો સવાલ ઉઠી રહ્યો છે.
પત્રકાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફરિયાદ પાછી ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પત્રકાર અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ સમગ્ર મામલે પત્રકાર દ્વારા સુરત ગ્રામ્ય એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:
- ફરજમાં બેદરકારી દાખવનાર કડોદરા PI સામે તાત્કાલિક ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે.
- હુમલાખોરોની ઝડપથી ધરપકડ કરી પત્રકાર તથા તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવે.
- ગુનેગારોને પ્રોત્સાહન આપતી ઢીલી પોલીસ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો લેવામાં આવે.
પત્રકાર સંગઠનો અને સામાજિક વર્તુળોમાં હવે આ મુદ્દે ચિંતા વ્યક્ત થઈ રહી છે. “જો પુરાવા સાથે ફરિયાદ કરનાર પત્રકારને જ સુરક્ષા ન મળે, તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે?” તેવો પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.
હવે સૌની નજર સુરત ગ્રામ્ય પોલીસ તંત્ર પર છે કે આ મામલે વાસ્તવમાં કડક કાર્યવાહી થશે કે પછી ફરિયાદો કાગળ પર જ સીમિત રહી જશે.
