ખેડૂતોને જૈવિક ખેતી, નેનો યુરીયા અને ફાર્મર રજીસ્ટ્રેશન અંગે આપવામાં આવશે માર્ગદર્શન
ભરૂચ જિલ્લામાં ખેડૂતોમાં સંતુલિત ખાતર વપરાશ અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખાસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત આગામી એક માસ સુધી જિલ્લાના તમામ તાલુકા અને ગામોમાં ખેડૂતોને વિવિધ પ્રકારની કૃષિ સંબંધિત માહિતી અને તાલીમ આપવામાં આવશે.
આ અભિયાન દરમિયાન રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે જૈવિક ખાતર, સેન્દ્રીય ખાતર તેમજ ગાય આધારિત ખેતીમાં ઉપયોગી જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે ખેડૂતોને સમજ આપવામાં આવશે. સાથે સાથે જમીનની ગુણવત્તા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને નેનો યુરીયા અને નેનો ડીએપીના વધતા ઉપયોગ અંગે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. તંત્રના જણાવ્યા અનુસાર આ ખાતરોના યોગ્ય ઉપયોગથી પાક ઉત્પાદન વધે છે તેમજ જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે જળવાઈ રહે છે.
આ વિશેષ અભિયાનમાં કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ, ખાતર ઉત્પાદક અને વેચાણ કરતી વિવિધ કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ તેમજ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોને આ અભિયાનનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અભિયાન દરમિયાન ખેડૂતોને ખેતી કાર્યો માટે ઉપયોગી ‘કૃષિ પ્રગતિ એપ’ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. એપના ઉપયોગથી ખેડૂતોને ખેતી સંબંધિત વિવિધ યોજનાઓ, ટેક્નોલોજી અને માર્ગદર્શન સરળતાથી મળી શકશે.
સાથે સાથે તમામ ખાતેદાર ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા રૂ. 2000ના ત્રણ હપ્તા નિયમિત ચાલુ રહે તે માટે નવી અમલમાં આવેલી Self e-KYC પ્રક્રિયા અંગે પણ સમજ આપવામાં આવી રહી છે.
આ સમગ્ર અભિયાન અને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે વધુ માહિતી માટે ગ્રામ કક્ષાએ ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આપવામાં આવી હતી.
