ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નિઃશુલ્ક સમર યોગ કેમ્પ અંતર્ગત સંકટ મોચન હનુમાનજી મંદિર, લિંક રોડ ખાતે ભાવસભર માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા પોતાના માતા-પિતાનું સન્માન કરવામાં આવતા ભાવુક વાતાવરણ સર્જાયું હતું.
કાર્યક્રમમાં બાળકોએ માતા-પિતાને કુમકુમ તિલક કરી, ચોખા લગાવી અને ફૂલહાર પહેરાવી આદર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બાળકો પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા તેમજ મીઠાઈ ખવડાવી પ્રેમ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી.
સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલે કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કાર, પારિવારિક મૂલ્યો અને વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં સંસ્કાર અને પરિવાર પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં માતા-પિતા, દાદા-દાદી તેમજ અન્ય વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના ઉત્સાહને વધાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવનાત્મક અને સંસ્કારમય વાતાવરણ જોવા મળ્યું હતું.
કેમ્પ દરમિયાન સહ-સંચાલક હેમા પટેલ અને હરીતા પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, ધ્યાન, સૂર્યનમસ્કાર તેમજ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા, આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વિકસે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
