Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈ મુસ્લિમ સમાજમાં રોષ : ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મામલે આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા, કડક કાર્યવાહીની માંગ

Share

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના વતની અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘ટાઇગર સાશ’ (તોસીફ ટાઇગર) નામથી એકાઉન્ટ ચલાવતા તોસીફ હનીફ પાંચભાયાની એક વિવાદિત પોસ્ટને લઈને સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ઇસ્લામ ધર્મની પવિત્ર પ્રથા ‘કુર્બાની’ તેમજ પયગંબરોના ઇતિહાસ અંગે કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓ સામે સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

મળતી માહિતી મુજબ, દઢાલ ગામના રહેવાસી તોસીફ હનીફ પાંચભાયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અને સ્ટોરી શેર કરી હતી, જેમાં ઇસ્લામ ધર્મની પવિત્ર પ્રથા ‘કુર્બાની’ (ઈદ-ઉલ-અઝહા) અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. પોસ્ટમાં પયગંબર હઝરત ઇબ્રાહિમ (અ.સ.) અને હઝરત ઇસ્માઇલ (અ.સ.)ના પવિત્ર ઇતિહાસને લઈને પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

વિવાદિત પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, “કુર્બાનીનો સાચો અર્થ ત્યાગ છે, પ્રાણીઓને બજારમાંથી ખરીદી લાવીને કુર્બાની આપવી એ સાચો ત્યાગ નથી; જો સાચી કુર્બાની આપવી હોય તો પોતાના બાળકોની આપો.” આ સાથે જ મનુષ્યના માંસ અંગે પણ ભારે વાંધાજનક શબ્દપ્રયોગ કરાયો હોવાનું મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી અને અનેક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો શરીફભાઈ કાનુગા, બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો, સાહીલ ઝગડિયાવાલા તેમજ એડવોકેટ રઈસભાઈ સુફીના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યા હતા.

સમાજના પ્રતિનિધિમંડળે અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પી. જી. ચાવડાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પ્રકારની પોસ્ટથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે અને સમાજમાં રોષનો માહોલ સર્જાયો છે.

આગેવાનોએ આરોપી તોસીફ હનીફ પાંચભાયા સામે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ તેનો પાસપોર્ટ જપ્ત કરવા તેમજ ભવિષ્યમાં આવી પ્રકારની હરકતો ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી હતી.

પોલીસે સમગ્ર મામલે રજૂઆત સ્વીકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Share

Related posts

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat

અભિનેત્રી કાવ્યા થાપર તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ મિડલ ક્લાસ લવની રિલીઝ માટે બાપ્પાના આશીર્વાદ લીધા.

ProudOfGujarat

નર્મદા જિલ્લો ધો-10માં 60.69% પરિણામ સાથે રાજ્યમાં 26માં ક્રમે:A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!